મહિલાઓના જીવનના સંઘર્ષ તથા મુશ્કેલીઓ બતાવતી શોર્ટ ફિલ્મ ‘દેવી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. એક મિનિટ કરતાં પણ ઓછા સમયનું આ ટ્રેલર એ વિચારવા મજબૂર કરે છે કે આખરે કેમ આ તમામ મહિલાઓ એક રૂમમાં રહે છે. કાજોલની આ શોર્ટ ફિલ્મ 2 માર્ચે રિલીઝ થવાની છે. કાજોલ તથા શ્રુતિ હસનની આ પહેલી શોર્ટ ફિલ્મ છે.
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે નવ મહિલાઓ એક જ રૂમમાં બંધ છે અને તેઓ ભારતના અલગ-અલગ રાજ્યમાંથી આવે છે. તેઓ એકબીજા સાથે ઝઘડો કરે છે. કાજોલ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરે છે અને તે મધ્યસ્થી તરીકે જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે શોર્ટ ફિલ્મમાં કાજોલ ઉપરાંત શ્રુતિ હસન, નેહા ધૂપિયા, નીના કુલકર્ણી, મુક્તા બાર્વે, સંધ્યા મ્હાત્રે, રમા જોષી, શિવાની રઘુવંશી તથા યશસ્વીની દયામા જોવા મળે છે. આ ફિલ્મને પ્રિયંકા બેનર્જીએ ડિરેક્ટ કરી છે અને ઈલેક્ટ્રિક એન્ટરટેઈન્મેન્ટ લાર્જ શોર્ટ ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી છે.
કાજોલે આ સ્પેશિયલ પ્રોજેક્ટ અંગે કહ્યું હતું કે તે ‘દેવી’ શોર્ટ ફિલ્મથી સારો સબ્જેક્ટ પહેલી શોર્ટ ફિલ્મ માટે ક્યારેય પસંદ કરી શકત નહીં. આ એક પાવરફુલ સ્ટેટમેન્ટ છે, જેને પ્રિયંકાએ ઘણી જ સારી રીતે લખ્યું છે. આ એવી ફિલ્મ છે, જેને દુનિયાની સામે શૅર કરવી જરૂરી છે. તે ખુશ છે કે તેણે આ ફિલ્મમાં કામ કર્યું. ઉલ્લેખનીય છે કે ‘દેવી’ શોર્ટ ફિલ્મ બે દિવસમાં જ શૂટ થઈ ગઈ હતી.