આયુષ્માન ખુરાનાની હાલમાં જ સમલૈંગિકતા પર આધારિત ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ રિલીઝ થઈ. આ ફિલ્મ ક્રિટિક્સ તથા દર્શકોને ઘણી જ પસંદ આવી છે. આ ફિલ્મમાં બે યુવકોની વાત કરવામાં આવી હતી. હવે, બે યુવતીઓ પર આધારિત ફિલ્મ ‘શીર કોરમા’નું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં દિવ્યા દત્તા તથા સ્વરા ભાસ્કર એકબીજાને પ્રેમ કરે છે. દિવ્યા દત્તાએ ફિલ્મમાં સાયરાનો રોલ પ્લે કર્યો છે અને સ્વરા ભાસ્કર, સિતારા બની છે. ફિલ્મમાં સાયરાની માતા (શબાના આઝમી)ને આ સંબંધ પસંદ નથી અને તે આ સંબંધનો ગુનો માને છે.
ભારતમાં ભલે 377ની કલમ હટી ગઈ હોય પરંતુ આજે પણ સમાજમાં સમલૈંગિક સંબંધોને લઈ જાગૃતિ લાવવી જરૂરી છે. 2 મિનિટથી પણ ઓછી મિનિટના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે બે મુસ્લિમ યુવતીઓ સાયરા તથા સિતારા એકબીજાને પ્રેમ કરે છે. સાયરાની માતા આ સંબંધને કોઈ કાળે સ્વીકારવા તૈયાર નથી. જોકે, સાયરાના ભાઈ-ભાભીએ તેને સપોર્ટ કરે છે. હવે, સાયરા તથા સિતારાના સંબંધો કેવી રીતે આગળ વધશે? સાયરાની માતા આ બંનેને સ્વીકારશે કે નહીં? તે જોવું રસપ્રદ રહેશે. ટ્રેલરમાં દિવ્યા કુર્તા-પાયજામા તથા જેકેટમાં છે. તો સ્વરા ભાસ્કર ગર્લી લુકમાં જોવા મળી છે.
ટ્રેલર થોડું સ્લો છે પરંતુ તેમાં ભરપૂર ઈમોશન છે. ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મમાં દમદાર પર્ફોર્મન્સ જોવા મળશે. આ ફિલ્મને ફરાઝ આરિફ અન્સારીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાને બદલે ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ કરવામાં આવશે.