ટાઇગર શ્રોફ સ્ટારર બાગી સિરીઝની ત્રીજી ફિલ્મ ‘બાગી 3’ 6 માર્ચે રિલીઝ થઇ છે. ફિલ્મે પહેલા દિવસે 17.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ‘બાગી 3’ ફિલ્મ 2020માં અત્યારસુધીમાં રિલીઝ થયેલ ફિલ્મોમાં સૌથી વધુ ઓપનિંગ કલેક્શન કરનાર ફિલ્મ બની ગઈ છે. બીજા નંબર પર 15.10 કરોડ રૂપિયા સાથેની અજય દેવગણની ફિલ્મ ‘તાન્હાજી’ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા ટ્વીટ કર્યા હતા.
બાગી 3’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં ટાઇગર શ્રોફની સાથે લીડ રોલમાં શ્રદ્ધા કપૂર, અંકિત લોખંડે અને રિતેશ દેશમુખ પણ સામેલ છે. આ એક્શન ફિલ્મને કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહમદ ખાને ડિરેક્ટ કરી છે. ફિલ્મને સાજીદ નડિયાદવાલા અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે.
‘બાગી’ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ પણ ટાઈગર શ્રોફના બાઈસેપ્સ અને તેના સ્ટ્રોંગ શોલ્ડર પર સવાર છે. પહેલાં ભાગમાં ટાઈગરે રોનીનું પાત્ર ભજવ્યું હતું અને તેણે પ્રેમિકા માટે વિલનને માર્યો હતો. બીજા ભાગમાં બાળકીને બચાવવા માટે ગુંડાઓને માર્યાં હતાં. આ વખતે રોની સીરિયાના અબુ જલાલ ગાઝાને એકલે હાથ મારે છે. અબુ જલાલને મારવા માટે અમેરિકા, રશિયા તથા ઈઝરાયેલ જેવા મોટા-મોટા દેશના સંગઠનો અનેક પ્રયાસો કરે છે. રોની પોતાના મોટાભાઈને બચાવવા માટે આ બધું કરે છે. મરતી વખતે પિતાએ રોની પાસેથી વચન લીધું હતું કે તે હંમેશાં મોટાભાઈનું ધ્યાન રાખશે.
‘બાગી 3’માં એક્શનનું લેવલ હાઈ છે. નાયક દુશ્મનના વિસ્તારમાં ઘુસીને તેની સાથે પંગો લે છે. રોની જંગી ટેન્ક તથા વિમાનોને ધૂળ ચાટતા કરી દે છે. આ કામમાં રોનીને પ્રેમિકા સિયાનો સાથ મળે છે.