લોકડાઉનમાં બોલિવૂડ તથા સાઉથ સ્ટાર્સ ઘરે રહીને કામ કરીને સમય પસાર કરી રહ્યાં છે. હાલમાં જ ‘અર્જુન રેડ્ડી’ ફૅમ સંદીપ રેડ્ડી વાંગાએ ઘરના કામ કરતા હોય તેવો વીડિયો શૅર કર્યો હતો અને ડિરેક્ટર એસ એસ રાજમૌલિને ચેલેન્જ આપી હતી. રાજમૌલિએ આ ચેલેન્જ સ્વીકારી હતી અને તેમણે પણ ઘરના કામ કરતાં હોય તેવો વીડિયો શૅર કર્યો હતો અને બીજા પાંચને આ ચેલેન્જ આપી હતી. લાગે છે કે હવે બોલિવૂડ તથા સાઉથમાં ઘરના કામ કરતા વીડિયો શૅર કરવાનો ટ્રેન્ડ શરૂ થશે.
એસ એસ રાજમૌલિએ ચેલેન્જનો સ્વીકાર કરીને કહ્યું હતું, ચેલેન્જ એસેપ્ટેડ સંદિપ. આ વાત મહત્ત્વની છે કે આપણે ઘરના કામોમાં સાથ આપીએ. હું આવતીકાલે ઘરના કામ કરતો વીડિયો શૅર કરીશ.
રાજમૌલિએ ઘરના કામ કરતો વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે સૌ પહેલાં કચરો વાળે છે, પછી પોતું કરે છે. બારી-બારણા સાફ કરે છે. તેમણે હવે બીજા પાંચ લોકોને આ પ્રકારનો વીડિયો શૅર કરવાની ચેલેન્જ આપી છે. આ પાંચમાં જુનિયર એનટીઆર, રામ ચરણ તેજા, શોબુ, સુકુમાર તથા એમ એમ કિરાવાણીને ટેગ કર્યાં છે.
સંદીપ વાંગાએ ટ્વિટર પર વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે વાસણ ધુએ છે, કચરા-પોતા કરે છે અને બારીઓ સાફ કરે છે. આ વીડિયો પોસ્ટ કરીને તેમણે કહ્યું હતું, પુરુષ સારો ડોમેસ્ટિક વર્કર બની શકે છે અને સાચો પુરુષ ક્વૉરન્ટીન તથા કામવાળા ના આવતા હોય તેવા સમયે તે ક્યારેય પોતાની મહિલાને એકલા બધું કામ ના જ કરવા દે. ઘરના કામોમાં મદદ કરો. સંદીપે રાજમૌલિને ચેલેન્જ આપી હતી.