કોરોના વાયરસે સામાન્ય જીવનને જાણે કે વેર વિખેર કરી નાખ્યુ છે. જ્યાં જુઓ ત્યાં લોકો મુશ્કેલીમાં ફસાયા છે. એક બાજુ મહામારીનો ત્રાસ તો બીજી બાજુ આર્થિક મંદી આ તમામ વચ્ચે હાલ તો મધ્યમ વર્ગ અને મજૂરી કરતા લોકોની હાલત ખુબજ કફોડી છે. આવા સમયે બોલિવૂડના કેટલાક કલાકાર સામે આવી આવા લોકોની મદદ કરી માણસાઈના દીપ પ્રગટાવી રહ્યા છે અને ઉમદા કાર્ય કરી ખરા અર્થમાં લોકોની મદદ કરી રહ્યા છે.
સોનુ સુદ તેના કામને લઈને હાલ સોશિયલ મીડિયા પર છવાઇ ચુક્યો છે. મુંબઈમાં બીજા શહેરોમાંથી આવેલા અને ફસાયેલા લોકોની સોનુ મદદ કરી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી સોનુ સતત આ કામ કરી રહ્યો છે. બસ, ટ્રેન પ્લેન જ્યાંથી જે રીતે મદદ મળે અને વ્યવસ્થા થાય લોકોને તેમના ઘરે પહોંચાડવાનું નેક કામ કરી રહ્યો છે.
જો કે આવા સારા કામ કરતી વખતે પણ સોનુને કડવો અનુભવ થયો છે. રવિવારે અચાનક સોનુ એકવાતથી ખુબજ નારાજ થયો છે. ખરેખર આવું ઉમદા કામ કરતો હોવા છતાં કેટલાક લોકો સોનુ સૂદને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે કેટલાક લોકો સોનુને ટ્વીટર કે બીજા માધ્યમોથી મદદ માગે છે અને પછી ક્યાંક ગાયબ થઈ જાય છે આથી સોનુ અને તેની ટીમને મુશ્કેલી થઈ રહી છે. સોનુવ કહે છે અસલી કોને મદદની જરૂર છે તે સમજાતુ નથી.
સોનુએ ટ્વીટ કરી કહ્યુ કે જે લોકોને ખરેખર મદદની જરૂર હોય તે જ સહાય માંગે. એ લોકોની અંગે વિચારો જેમને ખરેખર મદદ જોઈએ છે.