રમેશ સિપ્પીએ 20 વર્ષ બાદ ડિરેક્ટર તરીકે આ ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કર્યું છે. તેમના ચાહકોને આ ફિલ્મને લઈને ઘણી આશા હતી પરંતુ તેમણે ચાહકોની આશા પર પાણી ફેરવી દીધું છે. ફિલ્મના ટાઈટલ પ્રમાણે, ફિલ્મ તીખી તો સહેજ પણ નથી. વિશ્વાસ નથી થતો કે પોતાના સમયમાં સારી ફિલ્મ્સ બનાવનાર રમેશ સિપ્પીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. એ પણ ત્યારે, જ્યારે ફિલ્મમાં તેમની ફેવરિટ હેમા માલિની છે. ફિલ્મમાં આજના સમયના ફેવરિટ રાજકુમાર રાવ તથા રકુલ પ્રીત સિંહ છે.
રમેશ સિપ્પીએ ‘શોલે’થી લઈ ‘સીતા ઔર ગીતા’માં હેમા માલિનીને સ્ટ્રોંગ તથા રસપ્રદ પાત્રો આપ્યાં હતાં. આ ફિલ્મમાં હેમાએ રૂકમણીનો રોલ પ્લે કર્યો છે અને તે સહેજ પણ ઈમ્પ્રેસિવ નથી. તે લાઉડ તથા મેલોડ્રામેટિક છે. પોતાની દીકરી નૈનાની ઉંમરના યુવક અવિનાશના પ્રેમમાં પડતી રૂકમણીના રોલમાં હેમાની આ સૌથી નબળી ફિલ્મ છે.
રમેશ સિપ્પીએ આજના સમયને પ્રાસંગિક બનાવવા માટે રાઈટર કૌસર મુનીર, રીષિ વિરમાની, વિપુલ બિનજોલાની ટીમ બનાવી હતી. શિમલાના સુંદર લોકેશન ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે. જોકે, અવિનાશ (રાજકુમાર રાવ), રૂકમણી (હેમા માલિની), દાદી (કમલેશ ગિલ), નૈના (રકુલ પ્રીત સિંહ)થી લઈને કેપ્ટન અંકલ (શક્તિ કપૂર) તથા અવિનાશની ફોઈમાંથી (કિરણ જુનેજા) એક પણ પાત્ર રસપ્રદ બની શક્યું નહીં. આ ફિલ્મ મૂળ રીતે કોમેડી ફિલ્મ છે. તિલક (કંવલજીત સિંહ) સાથે રૂકમણી ડિવોર્સ લેવા ઈચ્છે અને દીકરી નૈના માતાના જીવનમાં ખુશીઓ લાવવા માગે છે. અવિનાશને નૈના ગમે છે પરંતુ તે તેને કહી શકતો નથી. રૂકમણી પોતાની દીકરીના ઉંમરના યુવકને પ્રેમ કરવા લાગે છે. અવિનાશની લવ સ્ટોરી કોની સાથે પૂરી થાય છે, તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.