આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સત્તા પર આવતા જ જનતા માટે મોટી જાહેરાત કરી છે. સોમવારે જગનમોહન રેડ્ડીએ વિધાનસભામાં આંધ્રપ્રદેશ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેંન્ડિડેટ ઇન ઇંડસ્ટ્રીઝ/ ફેક્ટ્રીઝ એક્ટ 2019ને પસાર કર્યો છે. જે અંતર્ગત આંધ્રપ્રદેશમાં સ્થાપિત થનાર તમામ ફેક્ટરીઝ જેમાં ઇંડસ્ટ્રીયલ યુનિટ, ફેક્ટ્રીઝ, સંયુક્ત ઉદ્યોગ સહિતના તમામ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપમાં ચલાતા તમામ પ્રોજેક્ટમાં 75 ટકા નોકરી સ્થાનિક લોકોને આપવાની રહેશે.
આ કાયદાથી સ્થાનિક લોકોને 75 ટકા આરક્ષણ આપનાર આંધ્રપ્રદેશ પહેલું રાજ્ય બનશે. સરકારે કહ્યું છે કે આ પ્રકારના કાયદાથી સ્થાનિકોને ખૂબ જ મદદ મળી રહેશે. તેમાં પણ એવા લોકોને જેમણે ઉદ્યોગો માટે પોતાની જમીન આપી દીધી છે અને હવે બેરોજગાર છે. આ સાથે આ કાયદામાં એવો પણ ઉલ્લેખ છે કે જો કંપનીઓને તેમની જરૂરીયાત મુજબના પ્રશિક્ષિત યુવાનો ન મળે તો તેઓ તેમને પ્રશિક્ષણ આપીને નોકરી માટે લાયક બનાવશે.
મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં જગનમોહન રેડ્ડીએ પોતાના પ્રદેશની પદયાત્રા કરી હતી. આ યાત્રા દરમ્યાન તેમણે આંધ્રપ્રદેશના સ્થાનિક લોકોને નોકરી આપવાનો વાયદો કર્યો હતો.