ભાજપ અધ્યક્ષ અમિત શાહ અત્યારે બંગાળી ભાષા શીખી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હજી એક વર્ષ બાકી છે. ભાષા શિખવા માટે શાહે એક શિક્ષક પણ રાખ્યાં છે. ભાજપ અધ્યક્ષ ઓછામાં ઓછી આ ભાષાને સમજી શકે અને પશ્ચિમ બંગાળની સભાઓમાં પોતાના ભાષણની શરૂઆત બંગાળી ભાષાથી કરે, જેનાથી ભાષણ પ્રભાવશાળી લાગે. શાહે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. શાહ પોતાને રિલેક્સ થવા માટે શાસ્ત્રીય સંગીતનો રિયાઝ કરે છે અને યોગ કરે છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપના એક મોટા નેતાના જણાવ્યું કે ભાજપ અધ્યક્ષ બંગાળી અને તામિલ સહિત દેશની અલગ અલગ 4 પ્રાદેશિક ભાષાઓ શીખી રહ્યાં છે. શાહને ચૂંટણીની રણનીતિ બનાવવામાં માસ્ટર માઇન્ડ ગણવામાં આવે છે. દરેક ચૂંટણી માટે શાહ અલગ અલગ રણનીતિ બનાવે છે. પરંતુ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ ચૂંટણીમાં હાર્યા પછી હવે શાહ બંગાળની ચૂંટણીની કમાન પોતાના હાથમાં રાખવા માગે છે. તે માટે કાર્યકર્તાઓની સાથે વાતચીત અને સમન્વય કરવો જરૂરી છે. ભાષા ક્યાંય પણ આ રણનીતિમાં આડે ના આવે તે માટે શાહ બંગાળી શીખી રહ્યાં છે. ગુજરાતની બહાર રહેવા સાથે પણ શાહે હિન્દી પર પકડ બનાવી રાખી છે. શાહના ભાષણોમાં ગુજરાતી ટોન જોવા મળે છે.
કેટલાક લોકો આશ્ચર્ય કરે છે કે, વર્ષોથી ગુજરાતમાં રહેતા અમિત શાહ આટલી સારી હિન્દી કેવી રીતે બોલે છે. આ મામલે સૂત્રોનું કહેવું છે કે, જેલમાં રહેતા હતા તે સમયગાળા દરમિયાન અને કોર્ટ દ્વારા ગુજરાતમાં પ્રવેશ કરવા પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો તે વખતે શાહે હિન્દી પર પકડ બનાવી હતી. ભાજપના અધ્યક્ષ બન્યા હતા તે પહેલા તેમણે દેશમાં પરિભ્રમણ કર્યું હતું અને મુખ્ય તીર્થસ્થળોની યાત્રા પણ કરી હતી. જેનાથી દેશના ખૂણેખૂણાના રાજનીતિક, સામાજિક અને ધાર્મિક બાબતોને સમજવામાં મદદરૂપ બન્યાં છે.