રાજ્ય સરકારની મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જે જાન્યુઆરી 2020ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ નિર્ણય સાથે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપી છે. રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ વધારો 1 જુલાઈ 2019થી અમલમાં આવશે અને જુલાઈ 2019થી ડિસેમ્બર 2019 સુધીનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવાશે. આમ હવે કર્મચારીઓને 12 ટકાની જગ્યા 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે. જ્યારે પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં 14 દિવસનો વધારો કર્યો છે. આમ ખેડૂતો 14 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે.

રાજ્ય સરકારના પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનર્સ મળી કુલ 9 લાખ 61 હજાર 638 કર્મચારીઓને લાભ મળશે. જેમાં રાજ્ય સરકારના 2 લાખ 6 હજાર 447, પંચાયત વિભાગના 2 લાખ 25 હજાર 83 અને 79 હજાર 599 અન્ય કર્મચારી તેમજ 4 લાખ 50 હજાર 509 પેન્શનર્સનો સમાવેશ થાય છે. મોંઘવારી ભથ્થામાં કરેલા વધારાને પગલે રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક લગભગ રૂ. 1,821 કરોડનો બોજ પડશે.

આ સીવાય પંચમહાલ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી છે. આ પાંચ કોલેજો માટે કેન્દ્ર સરકારના રૂ. 975 કરોડ અને રાજ્ય સરકારના રૂ. 650 કરોડ મળી રૂ. 1625 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આમ મેડિકલ કોલેજ દીઠ રૂ.325 કરોડના ખર્ચે હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન અને મેડિકલ કોલેજ સ્થાપાશે. આ પાંચ કોલેજો માટે રાજ્ય સરકાર વિના મૂલ્યે જમીન ફાળવશે. તેની સાથે સાથે આ પાંચ કોલેજોમાં 500 નવી મેડિકલ બેઠકો પણ ઉપલબ્ધ થશે. પ્રત્યેક કોલેજમાં પ્રથમ વર્ષ 100 બેઠક પર પ્રવેશ મળશે. જિલ્લાની હયાત હોસ્પિટલોને MCI (મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)ના ધારા ધોરણ મુજબ પ્રથમ તબક્કે 300 બેડની હોસ્પિટલ ઉપલબ્ધ થશે. 

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યના 33 જિલ્લાઓ પૈકી 28 જિલ્લામાં કુલ 37 મેડિકલ કોલેજો કાર્યરત થશે. રાજ્યમાં 500 બેઠકોનો વધારો થતાં હવે અંદાજીત 6300થી વધુ બેઠકો ઉપલબ્ધ બનશે

Find out more: