આર્થિક તંગીનો સામનો કરી રહેલી કેન્દ્રની મોદી સરકારે કરકસરનો પ્રારંભ કરતાં પ્રવાસો અને ભોજન જેવી આઇટમો પર થતા નિરર્થક ખર્ચમાં 20 ટકાનો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્રારા લેવામાં આવેલ આ નિર્ણયના પાલન માટે દરેક મંત્રાલયને નોટીસ જારી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં તાજેતરમાં મળેલી ઇન્વેસ્ટમેન્ટ અને ગ્રોથ પરની કેબિનેટ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેબિનેટ કમિટીએ તમામ મંત્રાલયોને પ્રવાસ, ભોજન અને કોન્ફરન્સો પાછળ થતા નિરર્થક ખર્ચમાં 20 ટકાનો કાપ મૂકવા નિર્દેશ આપ્યો છે. કમિટીએ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગને આ સંદર્ભમાં જરૂરી પગલાં લેવાનો આદેશ આપી દીધો છે. પગલાંનું પાલન કરવા માટે કેબિનેટ કમિટીમાં કરાયેલી તમામ નોંધ ગયા સપ્તાહમાં જ કેન્દ્ર સરકારનાં તમામ મંત્રાલયોને મોકલી અપાઇ છે.
સરકારના આ પગલાને 2019-20ના નાણાકીય વર્ષ દરમિયાન અંદાજપત્રીય ખાધ 3.3 ટકાની મર્યાદામાં નિયંત્રિત રાખવા અને બિનવિકાસકીય ખર્ચ ઘટાડીને અંદાજપત્રીય અંદાજોને ખોરવાઇ જતા અટકાવવાના પ્રયાસ તરીકે જોવાઇ રહ્યું છે. હાલના નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ 11 વર્ષની સૌથી નીચી સપાટી પાંચ ટકા પર રહેવાની સંભાવના હોવાથી અંદાજપત્રીય શિસ્ત જાળવી રાખવી ઘણી પડકારજનક છે.
ઉલ્લેખનિય છેકે મોદી હાલ 2 દિવસના પ્રવાસે છે, કોલકતા અને ગઇ કાલે નેશનલ યુવા દિવસ નિમીતે બેલુર મઢની મુલાકાત લઇ યુવકોને દેશની શક્તિ બનવા માટે સંદેશો આપ્યો છે.