મની લૉન્ડ્રિંગનાં આરોપી ઝાકિર નાઇકને લઇને કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ઘમાસણ ચાલી રહ્યું છે. પહેલા બીજેપીએ કૉંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તેઓ ઝાકિર નાઇકનું સમર્થન કરે છે. ત્યારબાદ કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પલટવાર કરતા કહ્યું કે મોદી અને શાહે ઝાકિર નાઇકને એક ડીલ ઑફર કરી હતી. દિગ્વિજય સિંહે કહ્યું કે, “ઝાકિર નાઇકે નિવદન આપ્યું હતુ કે મોદી અને શાહે તેને આર્ટિકલ 370 હટાવવાની વાતનું સમર્થન કરવાની વાત કહી હતી. એટલું જ નહીં ઝાકિર નાઇકને આ કામનાં બદલામાં તેની સામે ચાલી રહેલા કેસ બંધ કરવાની પણ ઑફર આપવામાં આવી હતી.”

ઉલ્લેખનીય છે કે ઝાકિર નાઇક પર મની લૉન્ડ્રિંગનાં અનેક કેસો ચાલી રહ્યા છે અને તે ભારતથી ફરાર છે. આ ઉપરાંત વિવાદાસ્પદ નિવેદનોનાં કારણે પણ ચર્ચામાં રહે છે. બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કૉંગ્રેસ અને દિગ્વિજય સિંહ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, “કૉંગ્રેસ અને નાઇક વચ્ચે હંમેશાથી સારા સંબંધો રહ્યા છે.” હવે દિગ્વિજય સિંહે આના પર સ્પષ્ટતા આપી છે. એટલું જ નહીં, બીજેપીએ એ પણ આરોપ લગાવ્યો છે કે ખુદ દિગ્વિજય સિંહ ઝાકિર નાઇકને શાંતિ દૂત કહીને બોલાવતા રહ્યા છે.

આરોપો પર જવાબ આપતા દિગ્વિજય સિંહે કહ્યું કે, “સપ્ટેમ્બર 2019માં ઝાકિર નાઇકે એક નિવેદનમાં કહ્યું હતુ કે મોદીજી અને શાહજીએ પોતાનો એક દૂત મોકલ્યો હતો. તેના માધ્યમથી ઝાકિર નાઇકને કહેવામાં આવ્યું હતુ કે તે આર્ટિકલ 370ને હટાવવાનું સમર્થન કરે. આના બદલામાં તેની વિરુદ્ધ તમામ કેસ બંધ કરી દેવામાં આવશે અને તેને ભારત આવવા દેવાશે. મોદીજી અને શાહજીએ ઝાકિર નાઇકનાં આ નિવેદનની નિંદા કેમ ના કરી?”

Find out more: