મોદી સરકાર આગામી બજેટ શનિવાર ૧લી ફેબ્રુઆરીએ બજેટ કરશે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન માટે પણ આ એક મોટો પડકાર છે. અત્યારે દેશમાં સરકાર માટે ચારે તરફથી સારા સમાચાર કહેવાય તેવી કોઇ વાત નથી. સિટીઝન એક્ટ અને એનઆરસીનાં મુદ્દે દેશભરમાં તોફાન મચ્યું છે. દિલ્હીની સડકો ઉપર છેલ્લાં એક મહિનાથી સિટીઝન એક્ટનાં વિરોધમાં પ્રદર્શન ચાલે છે. જીડીપી સતત ઘટતો જાય છે. દેશનાં કોર્પોરેટ જગતના કેટલાક ઉદ્યોગપતિઓ પણ હવે સરકાર વિરુદ્ધ બોલવા લાગ્યાં છે. જનતા મુઝવણમાં છે કે સરકાર શું કરી રહી છે કારણ કે મોંઘવારી પણ વધી રહી છે. શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ મોંઘી થઇ રહી છે ત્યારે હવે લોકરંજક બજેટ સરકાર રજૂ કરે છે કે પછી દેશને મંદીમાંથી ઉગારવાવાળું બજેટ બહાર પાડે છે તે એક મોટો પ્રશ્ન અત્યારે ચર્ચામાં છે.
બજેટની વાત થાય ત્યારે સૌથી પહેલાં ITનો સ્લેબ કેવો રહેશે તે ચર્ચાનો વિષય બની રહે છે. કારણ કે દેશ અત્યારે મોટી આર્થિક મંદીમાં છે અને લોકો પૈસા ખર્ચ નથી કરી રહ્યાં એટલે સરકાર મધ્યમ વર્ગને ઇન્કમટેક્સમાં રાહત આપશે. આર્થિક જાણકારોનું માનવું છે કે ઇન્કમટેક્સમાં રાહત આપવાથી મધ્યમ વર્ગ પૈસા ખર્ચશે અને આ પૈસા બજારમાં આવતાં આર્થિક ગતિવિધિઓમાં તેજી આવશે અને મંદીનું પ્રમાણ ઘટશે.
ઇન્કમટેક્સમાં રાહત આપવા અંગેની આ સંભાવનાઓ એક તબક્કે માનવાલાયક છે કારણ કે મંદીથી ગભરાઇ જઇને સરકારે બજેટ પહેલાં જ કોર્પોરેટ જગતને સુપર રીચ ટેક્સ રદ કરીને રાહત આપી દીધી હતી.