નાગરિકતા સુધારા કાયદાની બંધારણિયતાને પડકારતી અને તેના અમલ પર રોક લગાવવાની માગ કરતી ૧૪૪ જેટલી પિટિશનોની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારનો પક્ષ સાંભળ્યા વિના તેના પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેના નેતૃત્વ હેઠળની ૩ જજની બેન્ચે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ રજૂ કરવા ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે તે આ મામલાની સુનાવણી માટે પાંચ જજની બંધારણીય બેન્ચની રચના કરી શકે છે. અદાલતે વચગાળાના આદેશ માટે મામલાની સુનાવણી પાંચ સપ્તાહ પછી રાખી હતી.
સુપ્રીમ કોર્ટે નાગરિકતા સુધારા કાયદાને પડકારતી પિટિશનો પર અદાલત કોઇ નિર્ણય ન લે ત્યાં સુધી દેશની તમામ હાઇકોર્ટને નાગરિકતા સુધારા કાયદા પર કોઇ અરજીની સુનાવણી ન કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આસામ અને ત્રિપુરાને લગતી પિટિશનોની સુનાવણી અલગથી કરાશે કારણ કે આ બંને રાજ્યોમાં નાગરિકતા સુધારા કાયદાની સમસ્યા દેશના અન્ય રાજ્યો કરતાં અલગ છે. ઉત્તરપ્રદેશમાંથી થયેલી અરજીઓની પણ અલગ સુનાવણી હાથ ધરાશે કારણ કે ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સુધારા કાયદાના કોઇ નિયમ ઘડાયા ન હોવા છતાં તેનો અમલ કરવા જઇ રહી છે.
સરકારને નાગરિકતા સુધારા કાયદાને પડકારતી ૧૪૩ પૈકીની ફક્ત ૬૦ પિટિશન સરકારને આપવામાં આવી છે તેથી બાકી રહેલી અરજીઓ પર જવાબ આપવા માટે સરકારને સમય જોઇએ છે. વચગાળાનો કોઇપણ આદેશ આપતાં પહેલાં સરકારની રજૂઆત સાંભળવી જોઇએ. કાયદાને મોકૂફ રાખવો એ મનાઇહુકમ આપવા બરાબર જ છે. હવે વધુ કોઇ પિટિશનને પરવાનગી આપવી જોઇએ નહીં.