મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્ય કર્મચારીઓને એક મોટી રાહત આપી છે. સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પાંચ દિવસના ર્વિંકગ ડેની જાહેરાત કરી છે. આ નવી સિસ્ટમ ૨૯ ફેબ્રુઆરીથી લાગુ પડશે. રાજ્ય સરકારની નવી સિસ્ટમ અનુસાર કર્મચારીઓએ એક અઠવાડિયામાં પાંચ દિવસ કરી શકશે અને બાકીના બે દિવસ રજા રહશે.
બુધવારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. હાલમાં મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓને દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા મળે છે. સરકારનું એવું માનવું છે કે આ નવી વ્યવસ્થાની કર્મચારીઓની ગેરહાજરી ઘટશે, સાથે બહેતર પરિવાર સંતુલનનું પણ નિર્માણ થશે જે સરવાળે ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકારના કર્મચારીઓ આ માગ ઉઠાવી રહ્યા હતા જેને રાજ્ય સરકારે પૂરી કરી છે.
રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી અને સ્થાનિક એકમોમાં ૨૦ લાખ કરતાં પણ વધારે કર્મચારી અને અધિકારી છે. આ કર્મચારીઓ અને અધિકારીઓના કામ પર અસર ન પડે તે માટે સોમવારથી શુક્રવાર સુધી દરેક કર્મચારીએ ૪૫ મિનિટનું વધારાનું કામ કરવું પડશે એટલે કે કર્મચારીઓએ એક અઠવાડિયામાં ૩.૭૫ કલાકનો ઓવરટાઈમ કરવો પડશે.
મહારાષ્ટ્રે સરકારે કોલેજોમાં પણ રાષ્ટ્રગાન ફરજિયાત બનાવી દીધું છે. કેબિનેટની બેઠક બાદ મંત્રી ઉદય સામંતે જણાવ્યું કે સરકારે ૧૯ ફેબ્રુઆરીએ શિવ જયંતિથી કોલેજોમાં રાષ્ટ્રગાન ફરજિયાત બનાવી દીધું છે. કોલેજમાં અભ્યાસક્રમ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગાન ગાવામાં આવશે. તે ઉપરાંત ઓબીસી, એસઈબીસી, વીજેએનટી અને ઘુમંત જનજાતિ તથા અતિ પછાત વર્ગ માટેના રાજ્ય વિભાગનું બહુજન કલ્યાણ વિભાગ તરીકે નવું નામકરણ કરવામાં આવ્યું છે.