આંધ્રપ્રદેશ અને તેલંગણા સ્થિત ૩ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના ઠેકાણાઓ પર આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં પડાયેલા દરોડામાં રૂપિયા ૨,૦૦૦ કરોડથી વધુની બેહિસાબી આવક ઝડપી પાડવામાં આવી છે. આંધ્રપ્રદેશ, તેલંગણા, દિલ્હી અને મહારાષ્ટ્ર એમ ૪ રાજ્યોના ૪૦ ઠેકાણા પર પાડેલા દરોડામાં રૂપિયા ૨,૦૦૦ કરોડ કરતાં વધુ છુપાવેલી આવક સામે આવી છે. 

 

સર્ચ ઓપરેશનમાં જાણવા મળ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓએ ફક્ત કાગળ પર રહેલી કંપનીઓને સબકોન્ટ્રાક્ટના કામ આપ્યાં હતાં. પ્રાથમિક અંદાજ પ્રમાણે રૂપિયા ૨,૦૦૦ કરોડથી વધુની રકમની હેરાફેરી માટે સંખ્યાબંધ કંપનીઓની ચેઇન ચલાવવામાં આવતી હતી. જેમાં છેવાડાની કંપનીઓ રૂપિયા ૨ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી હોવાનું દર્શાવીને આ મોટી કરચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો. બે કરોડથી ઓછું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓને હિસાબી ચોપડા રાખવાની અને ટેક્સ ઓડિટની ફરજ પડાતી નથી. આ પ્રકારની કંપનીઓના રજિસ્ટર્ડ એડ્રેસ ખોટાં હતાં. સબકોન્ટ્રાક્ટરો ફક્ત કાગળ પર જ હતાં. તેમના આઇટીઆર પણ મુખ્ય કંપનીઓ દ્વારા જ ભરાતાં હતાં. આ દરોડાઓમાં રૂપિયા ૮૫ લાખ રોકડ અને રૂપિયા ૭૧ લાખના ઝવેરાત જપ્ત કરાયાં હતાં.

 

આઇટી વિભાગે ચંદ્રાબાબુ નાયડુના પૂર્વ પર્સનલ સેક્રેટરી અને ટીડીપી નેતા આર એસ રેડ્ડી સહિતના નેતાઓના ઠેકાણાઓ પર દરોડા પાડયા હતા. તેલંગણામાં સત્તાધારી ટીઆરએસના નેતાના ભાઇની જાણીતી કંપની પર સર્ચ ઓપરેશનો હાથ ધરાયાં હતાં. નાયડુના પૂર્વ પીએસના નજીકના લોકોના ઠેકાણાઓ પર પણ દરોડા પડાયા હતા.

Find out more: