આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સતત ત્રીજી વાર દિલ્હીના મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કરશે. રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સમારોહમાં 1 લાખ લોકો શામેલ થાય તેવુ માનવામાં આવી રહ્યું છે. આ શપગ્ર ગ્રહણ સમારોહ આજે રવિવારે બપોરે સવા બાર વાગ્યે યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહમાં અરવિંદ કેજરીવાલ સાથે 6 જેટલા ધારાસભ્ય પ્રધાન પદના શપથ લેશે જેને લઈને સૌની નજર છે.
કેજરીવાલના સમારોહની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. રામલીલા મેદાનમાં 45 હજાર ખુરશી ગોઠવી દેવામાં આવી છે. મેદાનમાં 12 મોટી એલઈડી લગાવવામાં આવી છે. શપથ સમારોહમાં પીએમ મોદી, છોટે મફલર મેન, દિલ્હીના સાતેય સાંસદ અને ચૂંટાયેલા ભાજપના આઠ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
કેજરીવાલની સાથ 6 ધારાસભ્યો પણ શપથ ગ્રહણ કરશે. જેમાં મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમનો સમાવેશ થાય છે. શપથગ્રહણ સમારોહમાં આશરે એક લાખથી વધારે લોકો હાજરી આપશે તેવો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સાથે સાથે તેમના મંત્રીપરિષદના મંત્રીઓના રાજીનામા સ્વિકારી લીધા છે. જો કે, ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકે કેજરીવાલ કામ કરતા રહેશે, જ્યાં સુધી નવા મુખ્યમંત્રીના શપથ ન થાય. દિલ્હીની ચૂંટણીમાં આપ પાર્ટીને 70માંથી 62 સીટ મળી છે. જ્યારે બાકીની આઠ સીટ પર ભાજપ જીત્યું છે, જ્યારે કોંગ્રેસ શૂન્ય પર આઉટ થઈ છે.