રવિવારે તેઓ પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાતે ગયા હતા. તેમણે ૧,૨૫૪ કરોડની ૫૦ જેટલી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. જ્યાં તેઓએ જણાવ્યુ કે આખા વિશ્વનાં દબાણ છતાં અમારી સરકાર CAA તેમજ કલમ ૩૭૦ જેવા નિર્ણયોના અમલમાં વળગી રહેશે.
અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે રચવામાં આવેલું ટ્રસ્ટ ખૂબ જ ઝડપથી તમામ નિર્ણયો લેશે અને કાર્યો કરશે. વારાણસીના કાર્યક્રમોમાં હાજરી આપ્યા પછી તેઓ ચંદોલી ગયા હતા અને દીનદયાળ ઉપાધ્યાયની ૬૩ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. મોદીએ જંગમવાડી મઠમાં વીરશૈવ કુંભમાં ભાગ લીધો હતો અને પૂજાઅર્ચના કરી હતી. કાશી વિશ્વનાથ મંદિરમાં ૨૪ કલાક અન્નક્ષેત્રને ખુલ્લું મૂક્યું હતું.
મોદીએ કહ્યું કે છેવાડાની વ્યક્તિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. આઝાદી પછી લાંબા સમય સુધી કોઈ સરકારોએ છેવાડાની વ્યક્તિની સમસ્યાઓ ઉકેલી જ નથી. તે વખતની સરકારોને તેમની સમસ્યાઓ ઉકેલવામાં રસ જ ન હતો. હવે સમય બદલાયો છે, દેશ બદલાયો છે. સીએએ અને કલમ ૩૭૦ના સંદર્ભમાં મોદીએ કહ્યું કે મહાદેવનાં આશીર્વાદથી દેશ આજે મહત્ત્વના નિર્ણયો લઈ રહ્યો છે જેની ઘણા સમય પહેલાં જરૂર હતી. મોદીએ લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા પર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો. ગંગાની સ્વચ્છતા માટે લોકભાગીદારીને મહત્ત્વ આપ્યું હતું. તેમણે લોકોને ભારત કો સુખા મુક્ત…જલ યુક્ત કરવા યોગદાન આપવાની અપીલ કરી હતી.
મોદીએ બે જ્યોતિર્લિંગને જોડતી પ્રાઈવેટ ટ્રેન કાશી – મહાકાલ એક્સ્પ્રેસને લીલીઝંડી દર્શાવી હતી. વારાણસી કેન્ટ સ્ટેશન ખાતે વીડિયો લિંકથી વારાણસી – ઈન્દોર વચ્ચે દોડનારની શરૂઆત કરી હતી.