મહારાષ્ટ્રમાં નવેમ્બર ૨૦૧૯ માં જ્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બની હતી ત્યારથી આ સરકાર કેટલું લાંબુ ચાલશે તે અંગે અટકળો લગાવવામાં આવી રહી છે. અલગ અલગ રાજકીય વિચારધારા ધરાવતી પાર્ટીઓ જ્યારે સત્તા માટે ભેગી થાય ત્યારે આ પ્રકારના અનુમાનો થયા કરે તે સ્વભાવિક છે. સત્તા માટે ઠાકરે ક્યાં સુધી કોંગ્રેસ અને એનસીપી સાથે સમજૂતી કર્યા કરશે તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. 

 

મહારાષ્ટ્રમાં શિવસેનાએ સત્તા સંભાળી ત્યારે પહેલો ઘા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી થયો હતો. વીર સાવરકરની  રાહુલ ગાંધીએ ટીકા કરતાં મહારાષ્ટ્રમાં શિવસેનાની સ્થિતિ શરમજનક થઇ ગઇ હતી. શિવસેનાએ વીર સાવરકરને ભારત રત્ન આપવાની માગણી ભૂતકાળમાં કરી હતી. હવે જ્યારે શિવસેનાના સાથી પક્ષ કોંગ્રેસના નેતા તરફથી વીર સાવરકરને અંગ્રેજોની માફી માગનારા કાયર તરીકે ઓળખાવાય ત્યારે વાત બગડી જાય એ સ્વભાવિક છે. તે સમયે તો શિવસેના તરફથી કોંગ્રેસને જવાબ અપાયો હતો અને વાત પર પૂર્ણવિરામ મુકાયું હતું. પરંતુ ત્યાર પછી શિવસેનાને દરરોજ કોઇકને કોઇ નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

અત્યાર સુધી ઠાકરે પરિવાર સત્તાથી દૂર રહ્યો છે. પરંતુ પહેલીવાર ઠાકરે પરિવારના ઉધ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રનું મુખ્યમંત્રી પદ સ્વીકાર્યું છે. અત્યાર સુધી બાળાસાહેબ ઠાકરે માટે કહેવાતું હતું કે, તેઓ રિમોટ કંન્ટ્રોલથી સરકાર ચલાવે છે. બાળ ઠાકરેએ પહેલા મનોહર જોષી અને પછી નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ હવે જ્યારે ઠાકરે પરિવારના ખુદ ઉધ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીની ગાદી સંભાળી છે ત્યારે સત્તાનું રિમોટ કન્ટ્રોલ એનસીપીના શરદ પવાર પાસે છે તેવું કહેવાઇ રહ્યું છે.

Find out more: