અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પત્ની મેલાનિયા, દીકરી ઇંવાકા, જમાઇ જેરેડ કુશનર અને પોતાના પ્રશાસનના ટોચના અધિકારીઓની સાથે આજથી ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. ગણતરીના કલાકોમાં ટ્રમ્પ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે અને અહીંથી બે દિવસનો ટ્રમ્પનો ભારત પ્રવાસ શરૂ થશે. આ પ્રવાસ દરમ્યાન દ્વિપક્ષીય રક્ષા અને રણનીતિક સંબંધોમાં વધુ મજબૂતી થવાની આશા છે પંરતુ ટ્રેડ ફી જેવા જટિલ મુદ્દાને ઉકેલાવાની શકયતા નથી.
ટ્રમ્પનો લગભગ 36 કલાકનો પ્રવાસ આ ક્ષેત્ર અને તેની સાથે જોડાયેલા ભૂ રાજકીય ઘટનાક્રમોને લઇ હિતોની વધતી એકરૂપતાનો સ્પષ્ટ સંદેશ પણ આપે છે. ખાસ કરીને ત્યારે જ્યારે ચીન પોતાના સૈન્ય અને આર્થિક દાયરાને વધારી રહ્યું છે. ભારતીય અને અમેરિકન અધિકારીઓએ કહ્યું કે ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે મંગળવારના રોજ થનાર ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટને લઇ ચર્ચા, રક્ષા અને સુરક્ષા, આતંકવાદ-રોધી, ઉર્જા સુરક્ષા, ધાર્મિક સ્વતંત્રતા, અફઘાનિસ્તાનમાં તાલિબાનની સાથે પ્રસ્તાવિત શાંતિ સમજૂતી અને હિન્દ-પ્રશાંતની સ્થિતિ સહિત કેટલાંય દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મહત્વના મુદ્દા પર કેન્દ્રિત રહેવાની સંભાવના છે.
અમેરિકન રાષ્ટ્રપતિની ભારત યાત્રા એવા સમય પર થઇ રહી છે જ્યારે દેશમાં સીએએની વિરૂદ્ધ મોટાપાયા પર પ્રદર્શન ચાલી રહ્યું છે. આ સિવાય કાશ્મીરને લઇ પાકિસ્તાનની સાથે ભારતના સંબંધોમાં તણાવ છે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાની સાર્વજનિક અને ખાનગી વાતચીતમાં લોકતંત્ર અને ધાર્મિક સ્વતંત્રતાની અમારી પરંપરા અંગે વાત કરશે.