દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી હિંસા અને વિરોધ પ્રદર્શનો બુધવારે પણ યથાવત્ રહ્યા હતા. આ હિંસામાં ૨૭ લોકોનાં મોત થયાં છે અને ૨૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હિંસામાં એક પોલીસ કર્મીનું તો મોત થયું જ હતું ત્યાં હવે બીજા એક ઈન્ટેલિજન્સ બ્યૂરોના એક કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુ પામેલા ઘણા લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે જ્યારે ઈજાગ્રસ્તોમાં પણ ૭૦ લોકો ગોળી વાગવાને કારણે ઈજાગ્રસ્ત થયા હતા.
હિંસાના ત્રણ દિવસ બાદ પીએમ મોદી દ્વારા શાંતિ માટે લોકોનો અપીલ કરવામાં આવી હતી. તે ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિંસાને કાબૂ કરવા સૈન્ય ઉતારવાની માગણી કરી હતી. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ભારેલો અગ્નિ છે. દિલ્હીના પાંચ વિસ્તારોમાં કર્ફ્યુ યથાવત્ રાખવામાં આવ્યો છે અને ઘણા વિસ્તારોમાંથી લોકોનું સામૂહિક પલાયન થઈ રહ્યું છે. કરાવલનગરમાં તોફાનીઓ દ્વારા અર્ધલશ્કરી દળોની ટુકડી ઉપર એસિડ ફેંકવામાં આવ્યો હતો જેમાં બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે, તોફાનીઓને કાબૂ કરવા દેખો ત્યાં ઠારના આદેશ આપવામાં આવ્યા હતા.
હિંસાગ્રસ્ત ચાંદબાગમાં બુધવારે ઇન્ટેલિજન્સ બ્યૂરોના હેડ કોન્સ્ટેબલ અંકિત શર્માનો મૃતદેહ મળી આવતા લોકો આઘાતમાં સરી પડયા હતા. તેઓ પણ પથ્થરમારાનો ભોગ બન્યા હતા. મંગળવારે હિંસા ફેલાતા અંકિતના પરિવાર દ્વારા તેને ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. અંકિત પોતાની ઓફિસથી ઘરે આવવા નીકળ્યો હતો. તોફાનીઓએ અંકિતને રસ્તામાં જ ઘેરી લીધો અને પોતાની સાથે લઈ ગયા. ત્યારબાદ તેના કોઈ સમાચાર નહોતા. ચાંદબાગમાં એક વ્યક્તિની લાશ પડી હોવાના સમાચાર મંગળવાર સાંજથી જ વહેતા થઈ ગયા હતા. આ લાશ અંકિતની જ હતી તે બુધવારે પુરવાર થયું.