દિલ્હી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (JNU)ના પૂર્વ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમારે પોતાની વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવાની મંજૂરી મળ્યા બાદ પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાની વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવાની મંજૂરી આપવા માટે દિલ્હીની કેજરીવાલ સરકારનો આભાર માન્યો છે. સાથો સાથ કેસની સુનવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવાની માંગણી કરી છે.

 

સીપીઆઈ નેતા કન્હૈય કુમારે ટ્વીટ કરી, ‘રાજદ્રોહ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ત્વરિત કાર્યવાહીની જરૂર એટલા માટે છે, જેથી કરીને દેશને ખબર પડે કે કેવી રીતે રાજદ્રોહ કાયદાનો દુરઉપયોગ આ આખા કેસમાં રાજનીતિક લાભ અને લોકોને તેમના બુનિયાદી મુદ્દાથી ભટકાવા માટે કરાયો છે.’

 

ગુરૂવારના રોજ દિલ્હીની કેજરીવાલ સરકારે જેએનયુના વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવાની મંજૂરી આપી દીધી હતી. દિલ્હી પોલીસના સ્પેશયલ સેલે કેજરીવાલ સરકારને કન્હૈયા કુમારની વિરૂદ્ધ કેસ ચલાવાની મંજૂરી માંગી હતી.

 

9 ફેબ્રુઆરી 2016ના રોજ JNU પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે આ વીડિયોની તપાસ કરાવી હતી અને તત્કાલીન જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમાર સહિત બીજાની વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. આરોપ છે કે વીડિયોમાં દેખાઇ રહેલા લોકોએ જેએનયુ પરિસરમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. હાલ કન્હૈયા કુમાર સીપીઆઈના નેતા છે. તાજેતરમાં જે કન્હૈયા કુમારે બેગુસરાયથી સીપીઆઈની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

Find out more: