દિલ્હી બાદ હવે મેઘાલયમાં સીએએ તેમજ ઇનર (ઈનર લાઈન પરમિટ ) લાઇન પરમિટનો વિરોધ હિંસક બનતા 2નાં મોત થયાં હતાં અને 12 વ્યક્તિને ઈજા થઈ હતી. મેઘાલયનાં ઈસ્ટ ખાસી હિલ્સ વિસ્તારમાં ખાસી સ્ટુડન્ટ્સ યુનિયનનાં સભ્યો તેમજ બિન આદિવાસીઓ વચ્ચેની મિટિંગ તોફાની બની હતી. બંને ગ્રૂપનાં લોકો સામસામે આવી જતા હિંસા ભડકી ઊઠી હતી. જેમાં ૨નાં મોત થયાં હતાં. સત્તાવાળાઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શિલોંગ અને તેની આસપાસનાં વિસ્તારોમાં થોડા સમય માટે કર્ફ્યુ લાદવાની ફરજ પડી હતી. મોબાઇલ ફોન પર અફવાઓ રોકવા માટે 6 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.
સીએએ અને એનઆરસી મુદ્દે થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનની આગ હવે ઉત્તર પૂર્વ ભારત પણ પહોંચી ગઈ છે. અહીં બાંગ્લાદેશ સરહદ નજીકના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના ઈચમાતી વિસ્તારમાં શુક્રવારે સીએએ, ઈનર લાઈન પરમિટ (આઈએલપી) મુદ્દે ખાસી સ્ટુડન્ટ્સ યુનિયન (કેએસયુ) અને બિન આદિવાસીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન સીએએ વિરોધી અને આઈએલપી સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં બેના મોત અને અનેક ઘાયલ થયા હતા.
અહીં સ્થાનિકો બહારના લોકોને નિશાન બનાવી રહ્યા હોવાના પણ અહેવાલ છે. પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે. આ બેઠક પછી શિલોંગના બે વિસ્તારમાં કર્ફ્યૂ લગાવાયો છે અને રાજ્યના 11માંથી છ જિલ્લામાં 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે. અહીં સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોની પાંચ વધારાની કંપની તહેનાત છે. પોલીસે કહ્યું હતું કે, હુમલાખોરોએ શુક્રવારે રાત્રે પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લાના મુખ્યાલય નોંગસ્ટોઈનના લોવેઈટાંગમાં એક પ્રિન્ટિંગ પ્રેસ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો, જેમાં સરકારી વાહન સહિત ત્રણ વાહનોને આગ લાગી ગઈ હતી.