કહેવાય છે જ્યાં વિજ્ઞાન પણ કામ ન લાગે એને જ કહેવાય ચમત્કાર. આવો જ એક ચમત્કાર મધ્યપ્રદેશમાં થયો છે જ્યાં એક મહિલાએ છ બાળકોને જન્મ આપ્યો હતો. 35 મિનિટના સમયમાં મહિલાએ બે પુત્રી અને ચાર પુત્રોને જન્મ આપ્યો હતો, એમાંથી વજન ખૂબ જ ઓછું હોવાથી બે દીકરીઓનું સારવાર દરમ્યાન મોત થઇ ગયું હતું. બીજાં બાળકોની સ્થિતિ પણ ખૂબ જ નાજુક છે.
શ્યોપુરની હોસ્પિટલમાં 23 વર્ષની મૂર્તિએ છ બાળકોને જન્મ આપ્યો હતો. સોનોગ્રાફીમાં છ બાળકો છે એ જાણીને ડૉક્ટરોનેય પરસેવો છૂટી ગયો હતો. તેની સારવાર અને ડિલિવરી કરાવવાનું ખૂબ જ જોખમી હતું.
જોકે, મૂર્તિએ નોર્મલ ડિલિવરી દરમિયાન 35 મિનિટમાં છ બાળકોને જન્મ આપ્યો હતો. એમાંથી બધાં જ બાળકોનું વજન 450 ગ્રામથી લઈને 750 ગ્રામ જેટલું હતું. જન્મ સમયે ખૂબ જ ઓછું વજન હોવાથી તમામ બાળકોની સ્થિતિ નાજુક હતી. એમાં પણ બે બાળકીઓનું વજન તો માત્ર 450 ગ્રામ જ હતું અને એ બંનેનું કમનસીબે સારવાર દરમ્યાન જ મૃત્યુ થયું હતું. ચાર પુત્રોને ICUમાં રાખવામાં આવ્યા છે. બાળકોની માતાની તબિયત સ્થિર થઈ હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. મહિલાએ સાતમા મહિને જ બાળકોને જન્મ આપ્યો હતો.
મૂર્તિનું નિદાન કરનારા ડૉક્ટરોએ અગાઉ જ અધૂરા મહિને ડિલિવરી થઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરી હોવાથી હોસ્પિટલમાં સમયસર સારવાર મળી ગઈ હતી. ડિલિવરીના થોડા સમય પહેલાં જ મૂર્તિ અને તેના પરિવારજનોને ખબર પડી હતી કે ગર્ભમાં છ બાળકો છે. એ જાણ્યા પછી પરિવારજનો અને ડૉક્ટરોની ચિંતા વધી ગઈ હતી.