ભારતમાં કોરોના વાયરસનાં ત્રણ નવા કેસ સામે આવ્યા છે. આમાંથી બે લદ્દાખ અને એક તમિલનાડુમાં પૉઝિટિવ આવ્યો છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 34 થઈ ગઈ છે. તાજા કેસમાં ઓમાનથી તમિલનાડુ આવેલો એક વ્યક્તિ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત જોવા મળ્યો. આ ઉપરાંત ઈરાનથી લદ્દાખ આવેલો વ્યક્તિ પણ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત જોવા મળ્યો.

 

આવામાં દેશમાં સતત કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે. અત્યાર સુધી 34 કેસ સામે આવી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીઓ સાથે કોરોના વાયરસની સ્થિતિ વિશે જાણકારી લીધી. તેમણે આ મામલે એક બેઠક કરી જેમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, વિદેશ મંત્રી એસ. જયશંકર અને અન્ય મંત્રીઓ સામેલ રહ્યા. બેઠક બાદ સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, દેશભરમાં 52 મેડિકલ લેબમાં નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે ઈરાનમાં કોરોના વાયરસનાં શંકાસ્પદ ભારતીય દર્દીઓનાં નમૂના લઇને ‘મહાન એર’નું વિમાન શનિવાર સવારે તેહરાનથી દિલ્હી પહોંચ્યું હતુ. એરપોર્ટનાં એક અધિકારીએ કહ્યું કે, અનેક ઈરાની નાગરિકોને લઇને શનિવાર સવારે લગભગ સાડા 10 વાગ્યે વિમાને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રિય એરપોર્ટથી પરત ઉડાન ભરી. 

અધિકારીઓએ વધુમાં જણાવ્યુ હતુ કે ઈરાનનાં તેહરાનથી એક વિમાન કોરોના વાયરસથી શંકાસ્પદ 300 ભારતીય દર્દીઓનાં નમૂના લઇને આવશે. જો કે હજુ એ જાણી શકાયું નથી કે વિમાન ઈરાનથી કેટલા ભારતીયોનાં નમૂના લાવ્યું અને કેટલા ઈરાની નાગરિકોને લઇને અહીંથી ગયું છે. 

Find out more: