કોરોના વાઇરસ ભારતમાં પણ પગ પ્રસારી રહ્યો છે. રવિવારે કેરળના પથનમથિટ્ટામાં એક જ પરિવારના પાંચ વ્યક્તિના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તેમાંથી ૩ વ્યક્તિએ તાજેતરમાં જ ઇટાલીની મુલાકાત લીધી હતી જ્યારે અન્ય બે આ ૩ના સંપર્કમાં આવતાં સંક્રમિત થયા હતા. કેરળના આરોગ્યમંત્રી કે કે શૈલજાએ જણાવ્યું હતું કે, ઇટાલીથી પરત ફર્યા પછી એરપોર્ટ ખાતે આ ૩ વ્યક્તિએ હેલ્થડેસ્ક અને નજીકની હોસ્પિટલને જાણ કરી નહોતી. તાવનાં લક્ષણો છતાં તેઓ આઇસોલેશનમાં રહેવા માગતા નહોતા. જિલ્લા સત્તાવાળાઓએ આ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા ૩૦૦૦ લોકોની તપાસ શરૂ કરી હતી.
દિલ્હીમાં રવિવારે કોરોના વાઇરસના ૩ પોઝિટિવ અને એક શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. આ ૪ વ્યક્તિના સંપર્કમાં આવેલા ૩૫૦ જેટલા લોકોને ઘરોમાં આઇસોલેશનમાં રાખી તેમના સેમ્પલ વધુ ટેસ્ટિંગ માટે મોકલી અપાયાં છે. તામિલનાડુમાં પણ રવિવારે કોરોના વાઇરસનો બીજો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. રાજ્યના આરોગ્ય સચિવ બીલા રાજેશે જણાવ્યું હતું કે, આ વ્યક્તિને હોસ્પિટલમાં સર્વેલન્સ હેઠળ રખાયો છે.
શનિવારે રાજ્યમાં કોરોનાનો એક કેસ સામે આવ્યો હતો. આ સાથે ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૪૦ પર પહોંચી છે જેમાં ૧૪ ઇટાલિયન પર્યટકોનો સમાવેશ થાય છે. બીજી તરફ કોલકાતામાં કોરોના ટેસ્ટના રિઝલ્ટ આવે તે પહેલાં સાઉદી અરબથી આવેલા ડાયાબિટીક દર્દીનું રવિવારે મોત થયું હતું.
અરુણાચલ પ્રદેશની સરકારે કોરોના વાઇરસને અટકાવવા વિદેશી પ્રવાસીઓના રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિદેશી પર્યટકોને અપાયેલી પરમિટ હંગામી ધોરણે રદ કરી દેવાઇ છે.