યસ બેન્કના સંસ્થાપક અને પૂર્વ મેનેજીંગ ડાયરેકટર રાણા કપૂરને મુંબઇની એક કોર્ટે રવિવારના રોજ 11મી માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમણે મની લોન્ડ્રિંગના આરોપમાં ધરપકડ કરી હતી. ઇડીએ દિલ્હી અને મુંબઇ સ્થિત તેમના ઘરો પર દરોડા પાડ્યા અને કલાકો સુધી પૂછપરછ બાદ રાણા કપૂરની ધરપકડ કરી હતી. રાણાને જ્યારે મુંબઇની એક કોર્ટમાં હાજર કરાયા તો તેઓ તૂટી ગયા અને કોર્ટની સામે બોલતા-બોલતા તેમની આંખોમાંથી આંસુ આવી ગયા.
રાણા કપૂર બાદ ગઇકાલે રાત્રે ઇડીએ તેમના પત્ની અને એક દીકરીની લગભગ 2 કલાક સુધી પૂછપરચ્છ કરી. આ પૂછપરચ્છ બાદ તેમને મોડી રાત્રે ઘરે જવા દીધા. રાણા કપૂરની દીકરી રોશની કપૂરને રવિવારે મુંબઇ એરપોર્ટ પર વિદેશ જતા રોકી દીધી હતી. તેઓ બ્રિટિશ એરવેઝથી લંડન જવા માંગતા હતા. આની પહેલાં ઇડીએ રાણા કપૂર અને તેમના પરિવાર જેમાં પત્ની બિંદુ કપૂર, દીકરી રાખી કપૂર ટંડન, રાધા કપૂર અને રોશની કપૂરની વિરૂદ્ધ લુક આઉટ નોટિસ રજૂ કરી હતી. મતલબ કે તેમાંથી હવે કોઇપણ મંજૂરી વગર ભારતની બહાર જઇ શકશે નહીં.
ઇડીના વકીલ સુનીલ ગોંજાલ્વિસે સુનવણી દરમ્યાન કહ્યું કે ઇડીની તપાસના દાયરામાં 4300 કરોડ રૂપિયાની રકમ છે. પૂછપરચ્છ દરમ્યાન રાણા કપૂરે સહયોગનો ઇન્કાર કરી દીધો છે. રાણા કપૂરે તેનું ખંડન કરતાં કહ્યું કે હું ઇડીનો સહોયગ કરવા માંગું છું. તેમણે કોર્ટને કહ્યું કે હું પળવાર પણ સૂતો નથી તેમ છતાંય હું દિવસ-રાત સહયોગ કરવા માટે તૈયાર છું. આ દરમ્યાન તેમની આંખોમાં આંસુ આવી ગયા.