કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને 3 હજારથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે ત્યારે આ જીવલેણ વાયરસથી ભારતમાં પહેલું મોત થયું છે. ભારતમાં કોરોનાનાં કારણે મોતનો આ પહેલો કેસ છે. આ મોત કર્ણાટકનાં કલબુર્ગીમાં થયું છે. મૃતક વ્યક્તિની ઉંમર 76 વર્ષ કહેવામાં આવી રહી છે. તો દેશમાં કોરોના વાયરસનાં 74 કેસની પુષ્ટી થઈ છે.
દલ્હીમાં કોરોના વાયરસનાં 6 કેસ, હરિયાણામાં 14 કેસ, કેરલમાં 17, રાજસ્થાનમાં 3, તેલંગાનામાં 1, ઉત્તર પ્રદેશમાં 11, લદ્દાખમાં ત્રણ, તમિલનાડુંમાં 1, જમ્મુ-કાશ્મીરમાં 1, પંજાબમાં 1, કર્ણાટકમાં 4 અને મહારાષ્ટ્રમાં 11 કેસ સામે આવી ચુક્યા છે. દિલ્હીમાં સ્કૂલ-કૉલેજથી લઇને સિનેમા હૉલ સુદ્ધા બધું બંધ કરી દેવામાં આવ્યું છે. ઘણી રમત પ્રતિયોગિતાઓ રદ્દ કરી દેવામાં આવી છે.
કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે ભારતે દુનિયાનાં કોઈપણ દેશમાંથી આવાનારા લોકોનાં વીઝા 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધા છે. કાર્ડ હોલ્ડરને આપવામાં આવનારી વીઝા મુક્ત યાત્રાની સુવિધા પણ 15 એપ્રિલ સુધી રોકી દેવામાં આવી છે. આ રોક તમામ એરપોર્ટ અને બંદર પર 13 માર્ચની રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે. કોરોના વાયરસનાં કારણે ઈરાનમાં લગભગ 6 હજાર ભારતીયો ફસાયા છે. આમાંથી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોનાં 1100 તીર્થયાત્રીઓ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને કેરલ સહિત અન્ય રાજ્યોનાં 300થી વધારે વિદ્યાર્થી, ગુજરાત, કેરળ તેમજ તમિલનાડુ સહિત અલગ અલગ રાજ્યોનાં 1000 માછીમારો સામેલ છે.