ભારતના 13 રાજ્યોમાં કોરોના વાઇરસના 97 પોઝિટિવ કેસ અને બેના મોત થયા પછી કેન્દ્ર સરકારે શનિવારે કોરોનાના રોગચાળાને જાહેર આફત ઘોષિત કર્યો છે. રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ અંતર્ગત સહાય આપવા માટે આ નિર્ણય લેવાયો છે. કોરોના વાઇરસના કારણે થનારા મોત માટે સરકારે રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવા જાહેરાત કરી હતી પરંતુ થોડા જ કલાકમાં ઘોષણાં પાછી ખેંચી લીધી હતી. દેશના તમામ રાજ્યોને પાઠવેલા પરિપત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસને મહામારી જાહેર કર્યા પછી ભારતમાં રોગચાળાના પ્રસારને ધ્યાનમાં લેતાં એસડીઆરએફ અંતર્ગત કેન્દ્ર તરફથી રાજ્યોને એસડીઆરએફ અંતર્ગત સહાય ઉપલબ્ધ કરાવવા કોરોના વાઇરસને જાહેર આફત ઘોષિત કરવાનો નિર્ણય લેવાયો છે.
દરમિયાન મહારાષ્ટ્રમાં સાઉદી અરબથી પરત આવેલા 71 વર્ષીય વૃદ્ધનું બુલધાના જિલ્લામાં શનિવારે બપોરે મોત થયું હતું. હોસ્પિટલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ વ્યક્તિને કોરોનાનો ચેપ હોવાની શંકા હતી.
કોરોના વાઇરસ સામે લડવા રાજ્ય સરકારોએ પણ આકરા પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. શુક્રવારે 11 રાજ્યોએ શાળા-કોલેજો, થિયેટર, રેસ્ટોરન્ટ, પબ, મોલ જેવા જાહેર સ્થળો 31 માર્ચ સુધી બંધ કરવાની જાહેરાત કરી હતી. આ શૃંખલામાં શનિવારે વધુ ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, હિમાચલપ્રદેશ, રાજસ્થાન અને ગોવા પણ જોડાયાં હતાં. પશ્ચિમ બંગાળ સરકારે 31 માર્ચ સુધી તમામ શિક્ષણ સંસ્થાનો બંધ કરવાની જાહેરાત કરતાં તમામ હોસ્પિટલોને હાઇએલર્ટના આદેશ આપ્યા હતા. મમતા સરકારે ભૂતાન સાથેની સરહદ સીલ કરવાનો આદેશ પણ જારી કર્યો હતો. હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૩૧ માર્ચ સુધી તમામ શાળા, કોલેજ, યુનિવર્સિટી, આંગણવાડી અને થિયેટર બંધ રહેશે.