ગુજરાત સરકારે રાજ્યમાં કોરોના વાઇરસના ખોફને પગલે તમામ શાળાઓ અને કોલેજો આવતીકાલ સોમવારથી બે અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એવી જ રીતે રાજ્યના તમામ મલ્ટિપ્લેક્સિસ તથા સિંગલ સ્ક્રીન થિયેટર્સ તેમજ સ્વિમિંગ પૂલ્સ પણ બે સપ્તાહ બંધ રાખવાનું જાહેર કરાયું છે. જોકે પ્રવર્તમાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રવિવારે કોરોના વાઇરસ સંદર્ભે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ ઉપરોક્ત જાહેરાત કરી હતી.
આ ઉપરાંત જાહેર સ્થળોએ થૂંકવા ઉપર જે પ્રતિબંધ છે તેનું ચુસ્તપણે પાલન કરાવવા તથા પાલન નહીં કરનારને રૂ. 500નો દંડ લગાવવા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને તાકીદ પણ કરાઈ છે.
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું છે કે, અત્યાર સુધી રાજ્યમાં 78 વ્યક્તિઓના બ્લડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે, જેમાંથી 77નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગઇકાલે એક ભુજના પુરુષનો કેસ જે બીજે મેડિકલ કોલેજમાં ટેસ્ટિંગ દરમિયાન શંકાસ્પદ માલૂમ પડતાં, તેને રિટેસ્ટિંગ માટે રવિવારે સાંજે પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વિરોલોજી ખાતે મોકલાયો છે, જેનો રિપોર્ટ આવતીકાલ સોમવારે બપોર બાદ ઉપલબ્ધ થશે, તેમ જણાવાઈ રહ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ૫મી માર્ચથી શરૂ થયેલી પરીક્ષા પુરી થઈ ગઈ છે. 23મી માર્ચથી શરૂ થતી બીજા તબક્કાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષામાં 80 થી 90 હજાર વિદ્યાર્થીઓ બેસવાના હતા. તે ઉપરાંત ચોથી એપ્રિલથી ત્રીજા તબક્કાની પરીક્ષા શરૂ થશે. જેના માટે હવે નવી તારીખો જાહેર થશે.