મધ્યપ્રદેશના અનેક દિવસોના રાજકીય ડ્રામામાં એક નવો નાટકીય વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે વિધાનસભા સ્પીકર એનપી પ્રજાપતિને આજે વિધાનસભાનું સત્ર બોલાવીને સાંજના 5 સુધી ફ્લોર ટેસ્ટ કરાવી દેવાનો સ્પસ્ટ નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની ખંડપીઠે આ આદેશ આપતાં સ્પીકરને પૂરી પ્રક્રિયાનું લાઈવ સ્ટ્રીમિંગ અને વીડિયો રેકોર્ડિંગ કરાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે ધારાસભ્યોને હાથ ઊંચા કરાવાનું કહીને શાંતિપૂર્ણ રીતે વોટિંગ થવું જોઈએ. ખંડપીઠે કહ્યું કે જ્યારે વિધાનસભા મોકૂફ હોય ત્યારે તેમાં હસ્તક્ષેપ કરવાનો રાજ્યપાલને અધિકાર છે. વિધાનસભાની કાર્યવાહીનો એકમાત્ર એજન્ડા બહુમતી પરીક્ષણ કરવાનો છે. ખંડપીઠે એવું પણ કહ્યું કે જો બળવાખોર ધારાસભ્યો બહુમતી પરીક્ષણમાં ભાગ લેવા માગતા હોય તો ઈચ્છે કર્ણાટક, મધ્યપ્રદેશના ડીજીપીએ તેમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ.
સુપ્રીમના ચુકાદા બાદ પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આતંક, દબાણ, લોભ, પ્રલોભનના પ્રયાસમાં કમલનાથ નિષ્ફળ રહ્યાં છે તેમાં દિગ્વિજય સિંહ પણ સામેલ છે. તેમણે કહ્યું કે સત્યની જીત થઈ છે. કમલનાથ સરકાર અલ્પમતમાં આવી જશે. આ જનતાની સાથે વિશ્વાસઘાત કરનાર સરકાર છે.
આપને જણાવી દઇએ કે મધ્યપ્રદેશની 230 સભ્યોની વિધાનસભામાં બે જગ્યા ખાલી છે કોંગ્રેસના છ ધારાસભ્યોએ રાજીનામા આપી છે. અહીં ભાજપના 107, કોંગ્રેસના 108, બસપાના 2 એસપીના 1 અને 4 અપક્ષ ધારાસભ્યો છે. વિધાનસભાની કુલ સભ્યસંખ્યા ૨૨૨ રહી ગઈ છે તેથી બહુમતી માટે 112 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસને 4 ધારાસભ્યોની તો ભાજપને 5 ધારાસભ્યોની ઘટ પડે છે.