રાજસ્થાનનાં પૂર્વ સીએમ વસુંધરા રાજેએ પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટનો રિપોર્ટ હવે આવી ગયો છે. રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વસુંધરા રાજે લખનૌમાં સિંગર કનિકા કપૂરની પાર્ટીમાં હાજર હતા. સિંગર કનિકા કપૂરનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે ક્વોરંટીન થઈ ગયા હતા.
આ પાર્ટીમાં તેમના દીકરા અને સાંસદ દુષ્યંત પણ હાજર હતા. તેઓ પણ સેલ્ફ આઇસોલેશનમાં છે. વસુંધરાએ ટ્વીટ કરીને કહ્યું હતુ કે, ‘કેટલાક દિવસ પહેલા દુષ્યંત અને તેમના સાસરીવાળાની સાથે હું લખનૌમાં એક ડિનર પાર્ટીમાં ગઈ હતી. કનિકા કપૂર, જે કોરોના વાયરસથી સંક્રમિત છે તે પણ એ ડિનર પાર્ટીમાં અતિથિ તરીકે હાજર હતી. સાવધાની રાખતા હું અને દુષ્યંત સેલ્ફ આઇસોલેશનમાં છીએ અને અમે તમામ જરૂરી નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ.”
ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અને એ પાર્ટીમાં વસુંધરા રાજે, દુષ્યંત સિંહ, ઉત્તર પ્રદેશનાં સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહનાં તેમની સાથે પાર્ટીમાં હાજર હોવાનાં સમાચાર બાદ વરૂણ ગાંધી, ડેરેક ઓ બ્રાયન અને સંજય સિંહ સહિત અનેક સાંસદ સેલ્ફ આઇસોલેશનમાં જતા રહ્યા. યૂપી પોલીસે કનિકાની વિરુદ્ધ સંવેદનશીલ જાણકારી છુપાવવાનાં આરોપમાં કેસ નોંધ્યો છે. હાલ તેમનો પરિવારને પણ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. કનિકાના ચાહકો તેના પર ફિટકાર વરસાવી રહ્યો છે.