ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. તેવામાં સરકાર દ્વારા કડક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. આજે વધારે પાંચ પોઝિટિવ કેસ નોંધાતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેઓએ ક્વોરન્ટાઈનનો ભંગ કર કરનારા લોકોને ચેતવણી આપી હતી સાથે જ જણાવ્યું હતું કે પોઝિટિવ કેસોના નામ જાહેર કરાશે. ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી પાછી ઠેલવવા પણ સરકાર રજૂઆત કરશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.
રાજ્યમાં આજે કોરોનાના વધુ 5 કેસ પોઝિટિવ આવ્યા છે. એટલે હવે ગુજરાતમાં કોરોનાના કુલ 18 કેસ પોઝિટિવ નોંધાયા છે. 18 કેસમાંથી અમદાવાદમાં કોરોનાના 7 કેસ પોઝિટિવ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં 3 – 3 કેસ પોઝિટિવ તો કચ્છ અને રાજકોટમાં કોરોનાના 1 – 1 કેસ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં 273 લોકોનાં રિપોર્ટ કરાયા છે, જેમાંથી 253 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો અમદાવાદમાં 650 હોમ ક્વોરન્ટાઈન છે જ્યાકે ગાંધીનગરમાં 223, સુરતમાં 590 હોમ ક્વોરન્ટાઈન છે. એટલું જ નહીં, 93 લોકોએ ક્વોરન્ટાઈનના નિયમોનો ભંગ કર્યો છે.
ક્વોરન્ટાઈનના નિયમોનો ભંગ કરનારને સરકારે કડક ચેતવણી આપી છે. ક્વોરન્ટાઈન નિયમોનો ભંગ કરનારને ધરપકડ કરીને નજરકેદ કરાશે તેમ સરકારે જણાવ્યું હતું. આ સાથે નીતિન પટેલે જણાવ્યું કે, 18 પોઝિટિવ દર્દીનાં નામ જાહેર કરાશે. નામ જાહેર થતાં તેમના સંપર્કમાં આવેલા સામેથી આવીને તપાસ કરાવે તેવી અપીલ પણ નીતિન પટેલે કરી હતી.