કોરોના વાઈરસની વકરતી જતી પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્યમાં સોમવારે રાત્રીના ૧૨ કલાકથી લોકડાઉન જાહેર કરાયું છે. આદેશનો અમલ ૩૧ માર્ચ સુધી ચુસ્તપણે રહેશે. આ લોકડાઉનને અનુલક્ષી ગુજરાતની જે સરહદો અન્ય રાજ્યો સાથે જોડાયેલી છે, તેને સીલ કરવામાં આવશે.રાજ્યમાં આવશ્યક બાબતો સિવાયનું તમામ પરિવહન બંધ (ટેક્સી, કેબ, રીક્ષા, લકઝરી બસ, જાહેર બસ) કરાશે.
જો કે, મેડિકલ સ્ટોર, કરિયાણા, દૂધ-શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપતી દુકાનો ચાલુ રહેશે. જીવન જરૂરિયાતની આ વસ્તુઓ લઈ જતા માલવાહક વાહનો રાબેતા મુજબ ચાલુ રહેશે. આ વાહન લઈ જતા ફેરિયા અને વેપારીઓ પોલીસને વસ્તુઓ બતાવીને કારણો આપશે તો તેમને આગળ જવા દેવા માટે બેરીકેડ ખોલવામાં આવશે. ખાનગી ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં માત્ર બે જ વ્યક્તિઓ મુસાફરી કરી શકશે.
રાજ્યના ગૃહસચિવ સંગીતા સિંઘ અને ડીજીપી શિવાનંદ ઝાએ સોમવારે મોડી સાંજે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, કારખાના અને ઓફિસો બંધ રહેશે. જો કોઈ આ લોકડાઉનનો ભંગ કરશે તો તેને ડિટેઈન કરવામાં આવશે. જો કોઈ, આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદકો ( જેમ કે ડેરી) પાસે મજૂરો રાખવાની સગવડતા હોય તો તેને નોડેલ ઓફિસર ( ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ) મંજૂરી આપશે અને ઉત્પાદન કરાવશે.
ઉલ્લેખનિય છેકે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં એવો એકરાર કર્યો હતો કે, કોરોના ગુજરાતમાં ત્રીજા તબક્કામાં પ્રવેશી ચુક્યું છે.