શિવરાજસિંહ ચૌહાણે ચોથી વાર મધ્યપ્રદેશની ડોર સંભાળી છે. સોમવારે રાતે ૯ વાગ્યે રાજ્યપાલ લાલજી ટંડને શિવરાજને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યાં હતા. સોમવારે સાંજે ધારાસભ્ય દળની બેઠકમાં શિવરાજને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં હતા જે પછી રાજ્યપાલે તેમને શપથ માટે આમંત્રિત કર્યાં હતા. નેતા તરીકે પસંદ થયા બાદ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, હું ઈમાનદારથી મધ્યપ્રદેશના વિકાસ માટે કામ કરીશ. હાલમા આપણે કોવિડ-૧૯ નો ફેલાવો રોકવાનો છે. કાર્યકરો શપથગ્રહણ સમારોહની ઉજવણી ન કરે તેવી મારી અપીલ છે.
કાર્યકરોએ નવી સરકાર માટે પ્રાર્થના કરવી જોઈએ. શિવરાજે કહ્યું કે આપણા બધાની સ્વાભાવિક ઈચ્છા હોય છે કે આપણે શપથ બાદ આભાર પ્રગટ કરીએ. પરંતુ હાલની પરિસ્થિતિમાં આ થઈ શકે તેમ નથી. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લેતા અને પુષ્પગુચ્છ સ્વીકાર કરવો ઠીક નથી. શિવરાજ સિંહ ચોહાણે ચોથી વાર મધ્યપ્રદેશની કમાન સંભાળી છે. પહેલી વાર ૨૯ નવેમ્બર ૨૦૦૫માં, બીજી વાર ૧૨ ડિસેમ્બર, ૨૦૦૮ તથા ત્રીજી વાર ૮ ડિસેમ્બર ૨૦૧૩ અને ચોથી વાર ૨૩ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ મુખ્યપ્રધાન બન્યાં.
મધ્ય પ્રદેશ વિધાનસભાનું ગણિત । મધ્યપ્રદેશની ૨૩૦ સભ્યોની વિધાનસભામાં ૨૫ જગ્યા ખાલી પડી છે. હાલમાં ૨૦૫ ધારાસભ્યો છે જેમાં ભાજપના ૧૦૬, સપાના એક, બસપાના બે અને ચાર અપક્ષ ધારાસભ્યો છે. તેથી ભાજપને બહુમતી હાંસલ છે. તેથી ૨૫ બેઠકોની આગામી સમયમાં થનારી ચૂંટણી સરકારના ભવિષ્ય માટે ઘણી મહત્વપૂર્ણ હશે