દેશભરમાં રવિવારે જનતા કરફ્યૂની સફળતા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને અભિનંદન આપ્યાં હતાં, પણ રવિવારે સાંજે અને સોમવારે સવારે ઘણા લોકો રસ્તા પર ઊતરી આવતાં પીએમ મોદીએ નારાજી વ્યક્ત કરી છે.
દેશમાં ઘણા રાજ્યોમાં પણ રાજ્ય સરકારો દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે પણ લોકો ઘરોની બહાર નીકળ્યા હોવાથી પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે અને લખ્યું છે કે લોકડાઉન હોવા છતાં હજી પણ ઘણા લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી. કૃપા કરીને પોતાની જાતને બચાવો, પોતાના પરિવારને બચાવો. સરકારી નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારો અનુરોધ છે કે તેઓ નિયમો અને કાયદાનું યોગ્ય રીતે પાલન કરાવે. પીએમ મોદીના આ ટ્વિટ બાદ ભારત સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. એમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય પ્રશાસન લોકડાઉના નિયમોનું પાલન કરાવે. એનું ઉલ્લંઘન કરનારાઓ સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
પીએમ મોદીએ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા કહ્યું છે પણ ઘણા લોકો રસ્તામાં હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળે છે, દિલ્હીમાં આલમી મરકજ બંગલેવાલી મસ્જિદમાં જનતા કરફ્યૂ વખતે એકઠા થયેલા લોકો એકબીજાને ગળે મળતા હોવાના દૃશ્યો ટીવી પર દર્શાવાયાં હતાં.
બિહારના દરભંગામાં લોકોએ ઘરે જવા માટે બસ સ્ટેશનો પર ભીડ કરી હતી અને બસોનાં છાપરાં પર બેસી ગયેલા નજરે પડયા હતા. આ બધાં દૃશ્યો જોયા બાદ પીએમ મોદીએ રાજ્ય સરકારોને કાયદાનું યોગ્ય રીતે પાલન કરવા માટે અનુરોધ કર્યો છે.