કોરોના વાયરસે હાલ આખા વિશ્વમાં કહેર વર્તાવ્યો છે. ત્યારે ભારત પણ આ જીવલેણ વાયરસથી બચી શક્યું નથી. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ આ લોકડાઉન થતા લોકો ઘરની અંદર છે અને ઇમરજન્સી વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
જો કે, હવે ગુજરાત માટે એક રાહતના સમાચાર આવ્યા છે. માહિતી મુજબ ગુજરાતમાં લોકડાઉનની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાનો નવો કોઈ પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકડાઉનની પરિસ્થિતિને કારણે આ સફળતા મળી છે. જો કે, આ પર્યાપ્ત નથી હાલ પણ લોકોએ 21 દિવસના લોકડાઉનનું ગંભીરતાથી પાલન કરવાની જરૂર છે.
લોકોએ લોકાડાઉનની પરિસ્થિતિમાં જીવન જરૂરી વસ્તુઓ લેવા સિવાય બહાર નીકળવું નહીં. માહિતી મુજબ ગઈકાલે કરાયેલા તમામ 11 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. તેથી હવે લોકોએ લોકડાઉનનું ગંભીરતાથી પાલન કરી કોરોના સામેની લડાઈમાં જીત મેળવવાની છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યો નથી. ક્લોઝડાઉનને કારણે કોરોના સંક્રમણ ઓછું ફેલાશે તેવી આશા હવે વ્યક્ત કરાઈ રહી છે. તો ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાને કારણે 3 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 44 કેસો પોઝિટિવ નોંધાયા છે. જો કે મૃતકો તમામ મોટી ઉંમરના હતા અને અન્ય બીમારીઓથી પણ પીડિત હતા.