વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા માટે સરકારે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટી અને સામાન્ય નાગરિકો રાહત ભંડોળમાં દાન આપવાની શરૂઆત કરી દીધી છે.
કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ના અધિકારીઓએ રવિવારે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં તેમના એક દિવસના વેતનનું દાન કર્યું છે. એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું છે કે તેમના કર્મચારીઓએ રૂપિયા 20 કરોડનું ભંડોળ ઊભુ કર્યું છે. જે કોરોના સામે લડવા પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં યોગદાન કરશે.
કર્મચારીઓ ઉપરાંત સેલિબ્રિટી પણ મદદ માટે પાછળ નથી. બોલીવૂડ સ્ટાર અક્ષય કુમારે રૂપિયા 25 કરોડ રકમ પીએમ કેયર ફંડમાં દાનની વાત કરી હતી. આ ઉપરાંત બાહુબલીના સ્ટાર પ્રભાસે કોરોના સામે લડવા રૂપિયા 4 કરોડનું દાન કર્યું છે. આ પૈકી રૂપિયા 3 કરોડ પીએમ રાહત ફંડમાં આપવામાં આવશે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં 50 લાખ અને તેલંગાણા રાહત ફંડોળમાં પણ રૂા.50 લાખ આપવાની જાહેરાત કરી છે.
ઉદ્યોગ જગતમાં રતન ટાટાએ સૌથી પહેલા ટાટા ટ્રસ્ટ મારફતે રૂા.500 કરોડની મદદથી કોમ્યુનિટી મજબૂત કરવા અને તેનું રક્ષણ કરવાની વાત કરી છે. 82 વર્ષિય ટાટાની આ જાહેરાતના અઢી કલાક બાદ ટાટા સન્સે પણ રૂપિયા 1000 કરોડની જાહેરાત કરી હતી.