વૈશ્વિક મહામારી કોવિડ-19ની દુનિયા ભરમાં હાહાકાર છે. આ કહેરથી દુબઈ પણ તેમાં બાકાત નથી. પરંતુ અહીં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. 28 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 468 દર્દી મળી ચૂક્યા છે. 55 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે બેનાં મોત થયા છે. સહેલાણીઓથી ઊભરાતા દુબઈમાં 26 માર્ચથી 3 દિવસ લૉકડાઉન હોવાથી સૂમસામ ભાસે છે.  કેઈરેફોર, લુલુહાઈપર માર્કેટ જેવા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં રોજબરોજની જરૂરિયાતના સામાન ભરપૂર માત્રામાં છે. દૂધ-શાકભાજીની કોઈ ઘટ નથી. હોમ ડિલિવરી પણ થાય છે. 

 

દુબઇમાં લૉકડાઉનના નિયમ કડક છે. નિયમ તોડો તો 50 હજાર દિરહામ એટલે કે રૂપિયા 10 લાખ સુધીનો દંડ લગાવવામાં આવે છે. રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી બહાર નીકળી શકાતું નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે બસ અને મેટ્રોમાં સીટની સંખ્યા ત્રીજા ભાગ જેટલી ઓછી કરી દેવાઈ છે. જેથી લોકો વચ્ચે સુરક્ષિત અંતર જળવાઈ રહે. સામાન્ય રીતે પોલીસ કડકાઈ કરતી નથી પણ ત્રણથી વધુ લોકો સાથે ચાલે તો તેમને ટોકવામાં આવે છે. જરૂરી કામ માટે પણ ઓછામાં ઓછા લોકો નીકળે તેવી સલાહ અપાય છે. સરકારે દુબઈમાં શરૂ કરેલી સેનિટાઈઝેશન ડ્રાઈવ 4 એપ્રિલ સુધી વધારી છે. શહેરની તમામ 17 હજાર ટેક્સી સેનિટાઈઝ કરાઈ છે. આ માટે ડ્રોનથી પણ છંટકાવ થાય છે. સરકાર તપાસ પર ધ્યાન આપી રહી છે. જોકે વ્યાપારી ચિંતિત છે. 

 

મૉલ, સુપરમાર્કેટ, બેન્ક અને હોસ્પિટલ જેવા દરેક જાહેર સ્થળે સેનિટાઈઝેશન પર જોર આપવામાં આવ્યું છે. દરેક સ્થળે ડિસ્પેન્સર અને ટિસ્યૂ પેપર ઉપલબ્ધ છે. સુપરમાર્કેટમાં ગ્રાહક સામાન લે પછી કાઉન્ટરની સફાઈ પછી બીજું બિલિંગ શરૂ કરાય છે. બેન્કોમાં કરન્સી અને કાગળની આપ-લે પણ ગ્લોવ્ઝ પહેરીને કવરમાં કરવામાં આવે છે.

Find out more: