કોરોનાનાં કારણે દેશભરમાં લોકડાઉન 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. તો આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થવાના કારણે દેશને ભારે નુકસાન થઈ રહ્યું છે. રિઝર્વ બેંક પાસે હેલીકોપ્ટર મની જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગત બુધવારનાં એક કન્નડ ન્યૂઝ ચૈનલ પબ્લિક ટીવીએ ખાસ કાર્યક્રમ પ્રસારિત કરીને દાવો કર્યો કે, કેન્દ્ર સરકાર હેલીકોપ્ટર મનીનું એક અભિયાન શરુ કરવા જઇ રહી છે, જે અંતર્ગત દરેક ગામમાં હેલીકોપ્ટર દ્વારા પૈસા વરસાવવામાં આવશે.
ચેનલે જણાવ્યું કે મહામારીનાં પ્રકોપની વચ્ચે રાહત માટે સરકાર આવું કરવા જઇ રહી છે. આ ખોટા દાવાને પ્રસારિત કર્યા બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયે ચેનલને નોટિસ મોકલી છે. પબ્લિક ટીવીએ બુધવાર રાતનાં આ કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો. આ દરમિયાન ટીવી સ્ક્રીન પર ‘કોઈ લોન નહીં, કોઈ વ્યાજ નહીં, દરેક ગામમાં હેલીકોપ્ટરથી પૈસા ફેંકવામાં આવશે’ તેવું ચાલી રહ્યું હતુ.