ગુજરાતમાં કોરોના વાયરસનો તાંડવ જબરદસ્ત રીતે વ્યાપી રહ્યો છે. ત્યારે શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે જણાવતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, દિલ્હીની મરકઝમાં આવેલા લોકોને કારણે કોરોનાનો ફેલાવો વધુ થયો છે. 15 માર્ચથી અમદાવાદમાં ત્રીજું સ્ટેજ શરૂ થયું હતું. કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આજે નવા 91 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બેના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ દર્દી 1192 અને મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે.

 

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. તેમણે આજે જણાવ્યું કે, આપણી પાસે હજુ 14 દિવસ લોકડાઉનના બચેલા છે જો આ સમયમાં આપણે ઘરમાં બેસી રહીને લોકડાઉનનું ચુસ્ત પાલન કરીશું તો આગામી સમયમાં આપણને વાંધો આવે તેમ નથી.  

 

કોરોનાનો સામનો કરવા અમે જાન્યુઆરી મહિનાથી જ તૈયાર હતા. અમે પહેલેથી જ માસ્ક પણ ખરીદી લીધા હતા. 24 જાન્યુઆરીએ તબીબોની મોટી ટ્રેનિંગ થઈ હતી. 8 માર્ચ સુધીમાં સ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ હતી. 15 માર્ચથી અમદાવાદમાં ત્રીજું સ્ટેજ શરૂ થયું. જ્યારે એપ્રિલમાં ચોથું ચરણ શરૂ થઈ ચૂક્યું છે. જો કે દિલ્હીની મરકઝમાં આવેલા લોકોને કારણે કોરોનાનો ફેલાવો વધુ થયો છે. બહારથી આવેલા લોકોને કારણે જે ડર અને પડકાર હતો તે સ્થિતિને પહોંચી વળ્યા છીએ. શાકભાજી અને રાશન વાળા પર અમારી નજર છે.

Find out more: