ગુજરાતમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1851 કેસ સામે આવી ચુક્યાં છે. રવિવાર રાતથી સોમવાર એટલે કે આજ સવાર સુધી રાજ્યમાં કોરોનાના નવા કુલ 108 કેસ નોંધાયા છે. જ્યારે હોટસ્પોટ અમદાવાદમાં 91 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં 19.4.2020ના સાંજે 5 વાગ્યાથી આજે 11 વાગ્યા સુધી નવા 108 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 4 લોકોનાં મોત અને 1 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. નવા 108 કેસમાંથી અમદાવાદ 91, અરવલ્લી 6, કચ્છ 2,મહિસાગર 1,પંચમહાલ 2,રાજકોટ 2,સુરત 2,વડોદરા-મહેસાણામાં 1 કેસ નોંધાયા છે. જ્યારે આજે અમદાવાદમાં આવેલા કેસની વાત કરીએ તો ગાયકવાડ હવેલી, રાયખડ, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, અસારવા, દરિયાપુર, બાપુનગર, જુહાપુરા, કાલુપુર, સરસપુર, શાહપુર, શાહીબાગ, દાણીલીમડામાં નવા કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના ટેસ્ટ વિશે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 3992 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 247 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 14 લોકો વેન્ટિલેટર પર, 1662 લોકો સ્ટેબલ હોવાની વાત કરી હતી, જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, ગુજરાતના ટેસ્ટિંગની કેન્દ્રએ નોંધ લીધી છે. કેન્દ્રની ટીમે અમદાવાદની પણ મુલાકાત લીધી છે અને જુદા જુદા વિસ્તારમાં કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. અમદાવાદમાં 3 પે એન્ડ યુઝ હોસ્પિટલ શરૂ કરવા વિશે પણ હેલ્થ બુલેટિનમાં માહિતી આપી હતી. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સ્ટર્લિંગ, નારાયણ, HCGમાં પે એન્ડ યુઝ સારવાર કરવામાં આવશે.