કોરોના મહામારીનાં કારણે પંજાબ સરકારે કર્ફ્યૂ બે અઠવાડિયા વધારવાનો નિર્ણય લીધો છે. જો કે આ દરમિયાન લોકોને 4 કલાકની છૂટછાટ આપવામાં આવશે. આ વિશે જાહેરાત કરતા પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે કર્ફ્યૂ દરમિયાન રોજનાં સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી લોકોને 4 કલાકની છૂટ આપવામાં આવશે. આ દરમિયાન લોકો પોતાના ઘરેથી બહાર આવી શકે છે અને દુકાનો ખુલ્લી રહેશે.
તેમણે કહ્યું કે, અમે રાજ્યમાં કર્ફ્યૂ વધુ 2 અઠવાડિયા વધારવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે સોમવારનાં પીએમ નરેન્દ્ર મોદી સાથે ચર્ચા દરમિયાન રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ પીએમથી લોકડાઉન વધારવાની માંગ કરી છે. જો કે કેટલાક રાજ્યો એવા છે જેમણે પૂર્ણ લોકડાઉનની જગ્યાએ કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન લાગુ કરવા પર ભાર આપ્યો છે. આવામાં 3 મે પહેલા કર્ફ્યૂ ખત્મ થતા પહેલા જ પંજાબનાં મુખ્યમંત્રીએ તેને 2 અઠવાડિયા માટે આગળ વધારવાની જાહેરાત કરી દીધી છે.
આ ઉપરાંત પંજાબ સરકારે દુકાનો ખોલવાની પણ માંગ કરી છે, જેથી લોકો જરૂરી સામાન ખરીદી શકે. ઘરેથી બહાર નીકળતા સમયે લોકોએ માસ્ક પહેરવાની સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. પંજાબમાં કોરોના વાયરસનાં વધુ 12 નવા કેસ સામે આવ્યા છે જેનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 342 થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી 17,021 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 13,966 કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે 2,713 નમૂનાઓનો રિપોર્ટ આવવાનો છે.