કોરોના વાયરસના કારણે લોકડાઉન થતા પરપ્રાંતીઓ જ્યાં હતા ત્યાં રહેવા મજબૂર થયા છે અને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે એવા લોકોને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. રેલવેને સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરી આવા લોકોને તેમના મૂળ રાજ્ય પરત મોકલવા કહેવામાં આવ્યું છે. આ માટે ‘શ્રમિક સ્પેશિયલ’ ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે.
રાજ્ય સરકારોને સ્ટેન્ડર્ડ પ્રોટોકોલ હેઠળ અનુરોધ કરવામાં આવ્યો હતો કે ટ્રેનોને પોઇન્ટ-ટૂ-પોઇન્ટ ચલાવવામાં આવે. એટલે કે આ ટ્રેનો વચ્ચે ક્યાંય ઉભી નહીં રહે. પહેલા દિવસ, શુક્રવારે અલગ-અલગ રૂટ પર 6 સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી. આ ટ્રેનો માટે બંને રાજ્ય એટલે કે જ્યાંથી શ્રમિકો બેસવાના છે અને જ્યાં ઉતરવાના છે. એવા બંને રાજ્યની મંજૂરી આવશ્યક છે. આ ટ્રેનોમાં સામાન્ય મુસાફરને બેસાડવામાં નહીં આવે. સરકારે અમુક શરતો નક્કી કરી છે. જેનું પાલન કરી આ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે.
માહિતી મુજબ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરનારાઓની યાદી રાજ્ય સરકાર બનાવશે. જેમાં પરપ્રાંતીય, શ્રમિક, ટૂરિસ્ટ્સ, સ્ટુડેન્ટ્સ અને તીર્થ યાત્રીઓએ ગૃહ રાજ્ય પાસે આવેદન કરવાનું રહેશે. ત્યાંના નોડલ ઓફિસર જે લિસ્ટ તૈયાર કરશે. તે રેલવેને સોંપવામાં આવશે. સ્ટેશન પર માત્ર એ લોકોને જ એન્ટ્રી મળશે જેમની તંત્રે પસંદગી કરી છે. આ સિવાય કોઈ અન્યને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત, જે લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હશે તેમને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.