કોરોના મહામારી સામે લડવા માટે દરેક વ્યક્તિ યથાશક્તિ પ્રમાણે દાન આપી રહ્યા છે ત્યારે મોરારિબાપુએ સુચનાનુસાર અને એમનાં વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૃપિયા ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને પહોંચાડવામાં આવી છે.
માર્ચ માસમાં કોરોના મહામારીની શરુઆતના સમયમાં જ લંડન સ્થિત રમેશભાઈ સચદેવ દ્વારા બાપુની સુચનાનુસાર પ્રધાનમંત્રી ફ્ંડમાં રૃપિયા એક કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. એ પછીથી મહુવા તાલુકાના વંચિત પરિવારો હોય કે રાજસ્થાનના લોક ગાયકો હોય, બાપુ દ્વારા કેશ અને અનાજની કીટ સ્વરૃપે અવિરત સહાય પહોંચી રહી છે.
સાત હજારથી પણ વધુ કીટ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. એ ઉપરાંત કોરોના મહામારીને નાથવાના કાર્યમાં લાગેલા મેડીકલ, પોલીસ અને સફઈ ર્કિમઓ વગેરે માટે રૃપિયા છ લાખની પીપીઈ કીટનું પણ વિતરણ કરવાનું આયોજન થયેલ છે. અલંગમાં અનેક પરપ્રાંતિય મજુરો માટે ભોજન રસોડું શરુ થયું અને એ પ્રમાણે મહુવામાં ભૂખ્યાંને ભોજન સંસ્થાને દોઢ લાખની સહાય મોકલવામાં આવી.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત નિધિને ૨૫ લાખની સહાય મોકલવામાં આવેલ. બનારસ, મુંબઈ અને સુરતની ગણિકા બહેનોને પણ અનાજ અને જીવન જરૃરિયાતની વસ્તુઓની કીટ મોકલવામાં આવી છે.