દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં મેધરાજા મહેરબાન થયા છે. અને સોરઠની સોનેરી ધરતી પર મેઘરાજા મહેરબાન થઈને સતત હેત વરસાવી રહ્યા છે. તેવામાં બપોર બાદ ગીરસોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરગઢડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અમરેલીના જસાધારમાં એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ વર્યો હતો. જ્યારે ઉનામાં વીજળી પડતાં બે માછીમારોનાં મોત નિપજ્યા હતા. 


ઉનાના સેંજલિયા ગામે વીજળી પડતાં બે માછીમારોનાં મોત નિપજ્યા છે. તો એક વ્યક્તિ લાપતા છે. સેજલિયા ગામે દરિયાકાંઠે ખાડીમાં માછીમારી કરી રહ્યા હતા તે સમયે વીજળી પડતાં 30 વર્ષીય જીણાભાઈ પરમાર અને 45 વર્ષીય જાદવભાઈ રાઠોડનું મોત નિપજ્યું હતું. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. રાણપુરના નાગનેસ ગામે ભાદર નદીમાં પૂર આવ્યું છે. ઉનાના પડાપાદર ગામની સીમમાં વીજળી પડતા રતીભાઇ દેવાતભાઇની વાડીમાં બાંધેલા પાંચ વર્ષના પાડાનું મોત થયું છે. તેમજ વ્યાજપુર ગામે વીજળી પડતા ગાય-ભેંસ થઇ પાંચ પશુઓના મોતા નીપજ્યા છે. 

 

ગીર જંગલમાં જસાધારમાં એક કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયાનું જાણવા મળ્યું છે. હાલ ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીરગઢડામાં વીજળીએ કહેર મચાવ્યો હતો. ઇટવાયા ગામે વીજળી પડતા બે મહિલાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતા. ભારે વરસાદથી નગડીયા શાહીમાં નદીમાં ઘોડાપૂર આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

 

રાણપુરના નાગનેસ ગામે આવેલી ભાદર નદીમાં પુર આવ્યું છે. નદીમાં પૂર આવતા ગામમાં જવા આવવાનો રસ્તો બંધ થયો છે. દર વર્ષે નદીમાં પૂર આવતાની સાથે જ ગામનો રસ્તો બંધ થાય છે. નાગનેસ ગામની વર્ષો જૂની આ સમસ્યાનું કોઇ નિવારણ તંત્ર દ્વારા કરાયું નથી. રાણપુર તાલુકાના નાગનેસ ગામની આ મુશ્કેલીનો ઉકેલ લાવવો જરૂરી છે.

Find out more: